Bangladesh Violence: બાંગ્લાદેશની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે. હસીના ભારત પહોંચી ચૂક્યા છે. આ વચ્ચે દેશમાં હિંસાની આગમાં દિગ્ગજ ક્રિકેટર મુશરફે મુર્તઝાના ઘર ઝપેટમાં આવી ગયું છે. આંદોલનકારીઓએ પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ લગાવી દીધી છે. મુશરફે મુર્તઝા અવામી લીગના સાંસદ છે. તે લાંબા સમયથી શેખ હસીનાની પાર્ટી સાથે જોડાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢાકામાં તોફાન
શેખ હસીનાના દેશ છોડ્યા બાદ હજારો લોકોએ પીએમ આવાસ પર કબજો કરી લીધો છે. આંદોલનકારીઓએ તોડફોડ કરી અને ઘણી વસ્તુ લૂંટીને પોતાની સાથે લઈ ગયા છે. પ્રદર્શનકારીઓ ઢાકામાં તોફાન ફેલાવી રહ્યાં છે. તેમણે જેસીબી દ્વારા ઢાકામાં તમામ જગ્યાઓ પર લાગેલી શેખ મુઝીબુર્રહમાનની પ્રતિમાઓ તોડી દીધી છે. આ સિવાય વિવિધ સરકારી ઓફિસોમાં લાગેલી શેખ હસીનાની તસવીરો હટાવવામાં આવી રહી છે. 


સૌથી વધુ મેચમાં સંભાળી ટીમની કમાન
મુશરફે મુર્તઝા વનડે મેચમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી છે. તેના નેતૃત્વમાં બાંગ્લાદેશી ટીમે 2010થી 2020 વચ્ચે 88 મેચ રમી હતી. આ દરમિયાન ટીમે 50 મેચ જીતી અને 36 મેચ હારી હતી. મુર્તઝાની આગેવાનીમાં 2 મેચનું પરિણામ આવ્યું નહીં. તેણે 2009માં એક ટેસ્ટ મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી. આ મેચ બાંગ્લાદેશે જીતી હતી. 2014થી લઈને 2017 સુધી તેણે 28 ટી20 મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી. 


આવું રહ્યું મુર્તઝાનું કરિયર
મુર્તઝાને બાંગ્લાદેશ માટે 36 ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન તેણે 78 વિકેટ લીધી અને 797 રન બનાવ્યા હતા. વનડે મેચની વાત કરીએ તો તેણે 220 મુકાબલામાં 270 વિકેટો લીધી હતી. તેણે વનડેમાં 1787 રન બનાવ્યા હતા. ટી20 મેચમાં મુર્તઝાના નામે 42 વિકેટ અને 377 રન છે.