પેન્ટહાઉસ માટે ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, બોલ્યો- ન પ્રમોશન ફી મળી, ન ઘર
ક્રિકેટર એમએસ ધોની સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે, આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને પેન્ટહાઉસનો કબજો અપાવવામાં આવે.
નવી દિલ્હીઃ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ધોનીએ પોતાની નવી અરજીમાં કોર્ટમાં અપીલ કરી કે આમ્રપાલી પ્રોજેક્ટમાં તેને પેન્ટહાઇસનો કબજો અપાવવામાં આવે. સાથે તેને અન્ય ઘર ખરીદનારાની જેમ લેણદારોની યાદીમાં પણ સામેલ કરવામાં આવે.
પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ કોર્ટને એફિડેવિડના માધ્યમથી જણાવ્યું કે, તેણે રાંચીમાં આમ્રપાલી સફાયરમાં પેન્ટહાઉસ બુક કરાવ્યું હતું. ત્યારે આમ્રપાલી ગ્રુપના મેનેજમેન્ટે ગેરમાર્ગે દોરી મોટા સપના દેખાડ્યા હતા. આ ચક્કરમાં આમ્રપાલીએ તેને પોતાના પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો હતો.
ધોનીએ કોર્ટને કહ્યું કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેની બ્રાન્ડના પ્રમોશનના કરોડો રૂપિયા પણ બાકી છે અને ઘર મળ્યું નથી. આ પહેલા એક અરજીમાં ધોનીએ કંપની પર 40 કરોડ રૂપિયા બાકી ન ચુકાવવાનો આરોપ લગાવ્યો અને માગ કરી હતી કે તેના અવેજમાં સમૂહની કેટલિક જમીન પોતાના માટે સુરક્ષિત રાખવામાં આવે.
મહત્વનું છે કે વર્ષ 2009માં ધોની આમ્રપાલી સમૂહનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. તે છ વર્ષ સુધી આ સમૂહ સાથે જોડાયેલો રહ્યો, પરંતુ વર્ષ 2016માં જ્યારે કંપની પર ખરીદદારોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો, ત્યારે તેણે પોતાને અલગ કરી લીધો હતો.
શું છે મામલો
46 હજાર હોમબાયર્સની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે, જેને સમય પર ફ્લેટ આપવામાં આવ્યા નથી. કોર્ટે આમ્રપાલી ગ્રુપની તમામ સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધોની પણ પોતાના હિતની રક્ષા માટે સુપ્રીમમાં પહોંચ્યો છે.