CSK vs GT: સતત સાતમી મેચમાં હોમ ટીમનો વિજય, ચેન્નઈ સામે ગુજરાતની 63 રને હાર
IPL 2024: આઈપીએલ-2024માં આજે સાતમી મેચ રમાઈ હતી. પરંતુ અત્યાર સુધી રમાયેલી દરેક મેચમાં હોમ ટીમનો વિજય થયો છે. 22 માર્ચથી શરૂ થયેલી આઈપીએલમાં આજે 26 માર્ચે પણ હોમ ટીમે જીત મેળવી છે.
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની સાતમી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 63 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નઈની સતત બીજી જીત છે. બીજીતરફ આઈપીએલ-2024માં હોમ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તમામ સાતેય મેચમાં હોમ ટીમે જીત મેળવી છે. ચેપોકમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શકી હતી.
ગુજરાતની ખરાબ શરૂઆત
ચેન્નઈએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ 8 રન બનાવી દીપક ચાહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સાહા 21 રન બનાવી આઉટ થયો હતો. સાહાની વિકેટ પણ દીપક ચાહરે ઝડપી હતી. વિજય શંકર 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ડેવિડ મિલર 16 બોલમાં 21 રન બનાવી તુષાર દેશપાંડેની ઓવરમાં રહાણેના હાથે કેચઆઉટ થયો હતો.
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શને 31 બોલમાં 3 ચોગ્ગા સાથે 37 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન મથીશા પથિરાનાનો શિકાર બન્યો હતો. અઝમતુલ્લાહ ઉમરઝઈએ 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. રાશિદ ખાન માત્ર 1 રન બનાવી મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો.રાહુલ તેવતિયા 11 બોલમાં 6 રન બનાવી આઉટ થયો હતો. ઉમેશ યાદવ 10 અને સ્પેન્સર જોનસન 5 રન બનાવી અણનમ રહ્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી દીપક ચાહર, મુસ્તફિઝુર રહમાન, તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય પથિરાના અને મિચેલને એક-ેક વિકેટ મળી હતી.
રચિન રવીન્દ્રની આક્રમક બેટિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. ખાસ કરીને યુવા રચિન રવીન્દ્રએ શરૂઆતથી જ ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યાં હતા. ગાયકવાડ અને રવીન્દ્રએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રચિન રવીન્દ્ર 20 બોલમાં 6 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 46 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં 69 રન ફટકાર્યા હતા.
શિવમ દુબેની અડધી સદી, ગાયકવાડના 46
ચેન્નઈ સુપર કિંગ્સને બીજો ઝટકો રહાણેના રૂપમાં લાગ્યો હતો. રહાણે 12 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 46 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 51 રન ફટકાર્યા હતા.
ડેરલ મિચલ 20 બોલમાં 24 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય સમીર રિઝવીએ 6 બોલમાં બે સિક્સ સાથે 14 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજા 7 રન બનાવી અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાનને 2 વિકેટ મળી હતી, પરંતુ તેણે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. આ સિવાય સાઈ કિશોર, સ્પેન્સર જોનસન અને મોહિત શર્માને 1-1 વિકેટ મળી હતી.