ઓવલઃ ન્યૂઝીલેન્ડે વિશ્વ કપ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 39.2 ઓવરમાં 179 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અને ન્યૂઝીલેન્ડને 180 રનના લક્ષ્ય આપ્યો હતો. ભારત એક સમયે 100 રન સુધી નહીં પહોંચે તેવું લાગતું હતું પરંતુ જાડેજાએ અંતમાં 50 બોલ પર 54 રન બનાવ્યા હતા. તેમાં કુલદીપ યાદવ (19) પણ તેને સારો સાથ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 37.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 180 રન બનાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ જીતીને વિરાટ કોહલીએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતીય ટીમ 39.2 ઓવરમાં બેટિંગ કરી શકી. જાડેજા સિવાય હાર્દિક પંડ્યાએ 37 બોલ પર છ ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. 


જે વાતની ચિંતા ભારતીય બેટ્સમેનોને લઈને થઈ રહી હતી તે પ્રેક્ટિસ મેચમાં જોવા મળી હતી. ટ્રેન્ટ બોલ્ટના સ્વિંગ સામે ભારતીય બેટ્સમેનો નાચતા રહ્યાં હતા. શરૂઆત રોહિત શર્મા (2)થી થઈ જે બોલ્ટના બોલ પર LBW આઉટ થયો હતો. શિખર ધવન (2) પણ બોલ્ટનો શિકાર બન્યો હતો. બોલ્ટે લોકેશ રાહુલ (6)ને પણ બોલ્ડ કરીને ભારતનો સ્કોર 24 રનો પર ત્રણ વિકેટ કરી દીધો હતો. 


કેપ્ટન કોહલી 18 રનના વ્યક્તિગત સ્કોર પર કોલિન ડિ ગ્રાન્ડહોમની બોલિંગમાં બોલ્ડ થયો હતો. પંડ્યા અને ધોની (17)એ ટીમને સંભાળતા સ્કોર 77 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ જિમ્મી નીશામે પંડ્યાની ઈનિંગનો અંત કર્યો હતો. નીશામે દિનેશ કાર્તિક (4)ને પણ આઉટ કર્યો હતો. 


ધોની 91ના કુલ સ્કોર પર ટિમ સાઉદીનો શિકાર બન્યો હતો. અહીંથી જાડેજાએ એક છેડો સંભાળ્યો હતો. બીજા છેડે ભુવનેશ્વર પણ આઉટ થઈ ગયો હતો. કુમારે 17 બોલમાં માત્ર એક રન બનાવ્યો હતો. 


અહીં જાડેજા અને કુલદીપે નવમી વિકેટ માટે 62 રન જોડીને ટીમનો સ્કોર 177 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ બોલ્ટે કુલદીપને આઉટ કરીને ભારતને ઓલઆઉટ કરી દીધું હતું. કીવી ટીમ માટે બોલ્ટે ચાર વિકેટ ઝડપી હતી. નીશામને ત્રણ સફળતા મળી હતી.