CWG 2018 : વિકાસ ઠાકુરે ભારતને અપાવ્યો દિવસનો પાંચમો મેડલ
વિકાસે સ્નેચમાં 159 વજન ઉંચકીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ક્લીન એન્ડ જર્કમાં તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું.
ગોલ્ડ કોસ્ટઃ ભારતના વેઇટ લિફ્ટર વિકાસ ઠાકુરે અહીં 21મી કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથી દિવસે ભારતને ત્રીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વિકાસે કૈરારા સ્પોર્ટસ એરીનામાં આયોજીત પુરૂષોની 94 કિલોગ્રામ ભાર વર્ગ સ્પર્ધામાં આ મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિકાસે કુલ 351 કિલો ભાર ઉઠાવ્યો હતો. તેણે સ્નેચમાં શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેનું પ્રદર્શન સામાન્ય રહેતા બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
વિકાસે સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં 152 કિલો અને બીજા પ્રયાસમાં 156 કિલો વજન ઉપાડ્યું. ત્રીજા પ્રયાસમાં તેણે 159 કિલોગ્રામ ભાર ઉંચકીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં તેણે પ્રથમ પ્રયાસમાં 192 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો. પરંતુ બીજા અને ત્રીજા પ્રયાસમાં તે 200 કિલો વનજ ઉચકવામાં નિષ્ફળ રહેતા સિલ્વર મેડલ ચૂકી ગયો હતો.
આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પાપુઆ ન્યૂ ગિનીના સ્ટીવન કારીને મળ્યો. તેણે કુલ 370 કિલો ભાર ઉઠાવ્યો. કેનેડાનો બોડી સેંટેવીને સિલ્વર મેડલ મળ્યો હતો. જેણે કુલ 369 કિલો વજન ઉઠાવ્યો હતો.
ભારતને ચોથા દિવસે અત્યાર સુધી પાંચ મેડલ મળી ચૂક્યા છે. દિવસનો પ્રથમ મેડલ વેઇટ લિફ્ટિંગમાં પૂનમ યાદવે અપાવ્યો. બીજો મેડલ શૂટર મનુ ભાકરે અપાવ્યો. આ ઈવેન્ટનો સિલ્વર મેડલ હીના સિદ્ધૂએ જીત્યો. પુરૂષોની 10 મીટર એયર પિસ્ટોલમાં રવિ કુમારે દિવસનો ચોથો મેડલ જીત્યો, તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
ભારતની આ સફળતા પર ખેલ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે તમામ ખેલાડીઓને શુભકામના આપી હતી. તેમણે કહ્યું જ્યારે આપણો રાષ્ટ્ર ધ્વજ ઉપર ઉઠે છે ત્યારે તમામ માટે ગર્વની ક્ષણ હોય છે.