CWG 2018: મેરી કોમનો સિલ્વર પાક્કો, ગોલ્ડ માટે મારશે પંચ
ભારતની અનુભવી મહિલા બોક્સર મેરી કોમ કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ગોલ્ડ કોસ્ટઃ પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમે મહિલા બોક્સિંગની 45-48 કિલોગ્રામ ભારવર્ગ સ્પર્ધાના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મેરી કોમે બુધવારે સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાની અનુષા દિલરૂક્ષીને 5-0થી પરાજય આપ્યો. મેરીએ આ મુકાબલામાં શાનદાર રમત રમી અને મેચ સરળતાથી જીતી. મેરી કોમની આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ છે.
મેરી લગાવશે ગોલ્ડન પંચ
લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ મેરી કોમ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં કોઇ મેડલ જીતી શકી નથી. ફાઇનલમાં સ્થાન મેળવતા તેણે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે. મેરી કોમે પોતાથી નબળી વિપક્ષી ખેલાડી પર શરૂઆતથી દબાવ બનાવીને રાખ્યો અને એકતરફી જીત મેળવી હતી. જીત બાદ મેરી કોમે કહ્યું, મારી વિરોધી સારી હતી અને તે મારી ભૂલની રાહ જોઈ રહી હતી, તેથી મારે સંભાળીને રમવું પડ્યું.
મેરી VS ક્રિસ્ટીના
35 વર્ષની મેરી કોમના કેરિયરની આ છેલ્લી કોમનવેલ્થ ગેમ્સ છે. તેથી તે તેને યાદગાર બનાવવા ઈચ્છે છે. ફાઇનલમાં મેરીની ટક્કર નોર્થ આયર્લેન્ડની 22 વર્ષિય ક્રિસ્ટીના ઓ હારા સાથે થવાની છે. અનુભવી અને જોશથી ભરપૂર બોક્સરો વચ્ચે આ મેચ શાનદાર હશે. આ ગોલ્ડન મેચ 14 એપ્રિલે રમાશે.