CWG 2018: સતીષે રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં ભારતને 3જો ગોલ્ડ મેડલ અપાવ્યો
ઓસ્ટ્રેલિયાનાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ખેલોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે.
ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયાનાં ચાલી રહેલા 21માં કોમનવેલ્થ ખેલોમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. રમતોત્સવના ત્રીજા દિવસે શનિવારે ભારતના વેઈટલિફ્ટર ખેલાડી સતીષકુમાર શિવાલિંગમે ભારતની ઝોળીમાં એક વધુ સુવર્ણ પદક નાખ્યો. હવે ભારતની ગોલ્ડ મેડલની સંખ્યા 3 થઈ ગઈ છે. આ ત્રણેય પદકો વેઈટલિફ્ટિંગમાં આવ્યાં છે.
સતીષે વેઈટલિફ્ટિંગના પુરુષોના 77 કિલોગ્રામના ભારવર્ગમાં ભારતને સોનાનો પદક આપ્યો. સતીષે સ્નેચમાં 144નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો તો ત્યાં ક્લીન એન્ડ જર્કમાં 173નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો. કુલ મળીને તેમનો સ્કોર 317નો રહ્યો. તેમને ક્લીન એન્ડ જર્કમાં ત્રીજા પ્રયત્નની જરૂર પડી નહીં.
સ્પર્દાનો સિલ્વર મેડલ ઈંગ્લેન્ડના જેક ઓલિવરના નામે રહ્યો. તેમણે 312નો કુલ સ્કોર કર્યો. ઓસ્ટ્રેલિયાના ફ્રાન્કોઈસ ઈટુઉન્ડીએ 305ના સ્કોર સાથે કાંસ્ય પદક જીત્યો. ભારતને આ ખેલોમાં કુલ પાંચમો પદક મળ્યો છે.