ન્યૂયોર્ક: રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 6-4, 6-4 થી હરાવીને યુએસ ઓપનનો ખિતાબ જીતી લીધો છે. ડેનિલ મેદવેદેવે પોતાનો આ પહેલો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોવાક જોકોવિચનું સપનું તૂટ્યું
આ હાર સાથે જ દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચનું 21મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું તૂટી ગયું. જો નોવાક જોકોવિચ યુએસ ઓપનનો ખિતાબ જીતી લેત તો તે પુરુષોમાં સૌથી વધુ સિંગલ્સનું ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની જાત. પરંતુ રશિયાના ડેનિલ મેદવેદેવે જોકોવિચનું આ સપનું તોડી નાખ્યું. હાલ નોવાક જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ સાથે 20-20 ગ્રાન્ડ સ્લેમ જીતીને જોઈન્ટ રીતે પહેલા સ્થાને છે. 


મેદવેદેવે લીધો બદલો
જોકોવિચે ત્રણ સેટ ગુમાવ્યા, જ્યારે ત્રીજીવાર ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચેલા 25 વર્ષના મેદવેદેવે કરિયરનું પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. આ વર્ષની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પણ પહોંચ્યો હતો. જ્યાં નોવાક જોકોવિચે તેને ખિતાબ જીતતા રોક્યો હતો. વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં ડેનિલ મેદવેદેવે યુએસ ઓપનનો ખિતાબ જીતીને નોવાક જોકોવિચને ઈતિહાસ રચતા રોક્યો. મેદવેદેવે જોકોવિચને હરાવીને બદલો લઈ લીધો. 


સપનું અધૂરું રહ્યું
જોકોવિચે આ અગાઉ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જો તે યુએસ ઓપન જીતી જાત તો એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતનારો એટલે કે કેલેન્ડર સ્લેમ જીતનારો ખેલાડી બની જાત, હાલ પુરુષોમાં એક વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છેલ્લીવાર રોડ લેવરે જીત્યો હતો. લેવરે આ ઉપલબ્ધિ 1962 અને 1969માં મેળવી હતી. જ્યારે મહિલાઓમાં સ્ટેફી ગ્રાફે વર્ષ 1988માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube