ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં કરી વાપસી, સ્ટ્રાઇક લીગમાં બનાવ્યા 36 રન
મૈરારા ક્રિકેટ મેદાન પર નોર્દર્ન ટાઇટડ વિરુદ્ધ ઓપનિંગ કરતા વોર્નરે 32 બોલમાં 5 ફોર અને 1 સિક્સ ફટકારી.
ડાર્વિનઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ-કેપ્ટન ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગ મામલામાં ફસાયા બાદ પોતાના દેશમાં પ્રથમ મેચ રમી અને 36 રન બનાવ્યા. બોલ ટેમ્પરિંગ મામલામાં સામેલ હોવાને કારણે વોર્નર પર એક વર્ષને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેણે ડાર્વિનની સ્ટ્રાઇક લીગના વનડે મેચમાં સિટી સાઇક્લોન ટીમ તરફથી રમતા 36 રન ફટકાર્યા છે.
મૈરારા ક્રિકેટ મેદાન પર નોર્દર્ન ટાઇટડ વિરુદ્ધ ઓપનિંગ કરતા વોર્નરે 32 બોલમાં 5 ફોર અને 1 સિક્સ ફટકારી. તે કેચઆઉટ થયો. તેની ટીમે મેચ 7 વિકેટથી જીત્યો. આ સિવાય વોર્નકે એક બેટ્સમેનનો કેચ પણ ઝડપ્યો હતો. બોલ ટેમ્પરિંગ મામલામાં સામેલ રહેલા ઓસ્ટ્રેલિયાના અન્ય ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે પણ આ ટૂર્નામેન્ટથી ક્રિકેટમાં વાપસી કરી છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપઆઉટ ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગમાં સામેલ હોવાને કારણે વોર્નર અને ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથને 12-12 મહિના માટે પ્રતિબંધ લગાવ્યો હતો, જ્યારે બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ દરમિયાન ત્રણેય ક્રિકેટર ઈન્ટરનેશનલ મેચ અને દેશના સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ન રમી શકે પરંતુ સ્ટ્રાઇલ લીગ જેવી ઈન્ડિપેન્ડેટ લીગમાં રમવાની ત્રણેયને મંજૂરી આપવામાં આવી છે. વોર્નર-સ્મિથ હાલમાં કેનેડામાં એક ટી-20 ટૂર્નામેન્ટમાં રમ્યા હતા.