વિશાખાપટ્ટનમઃ  દિલ્હી કેપિટલ્સને આખરે આઈપીએલ-2024માં પોતાની પ્રથમ જીત મળી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે વિશાખાપટ્ટનમમાં ચેન્નઈ સુપર કિંગ્સને 20 રને પરાજય આપ્યો છે. દિલ્હીની જીત બાદ હવે એકમાત્ર મુંબઈ ઈન્ડિયન્સ બાકી છે જેનું પોઈન્ટ ટેબલમાં ખાતુ ખૂલ્યું નથી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 191 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 171 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈના બંને ઓપનરો સસ્તામાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 1 રન બનાવી તો રચિન રવીન્દ્ર 2 રન બનાવી આઉટ થયા હતા. આ બંને સફળતા ખલીલ અહમદને મળી હતી. ચેન્નઈએ ધીમી શરૂઆત કરતા પાવરપ્લેમાં માત્ર 32 રન બનાવ્યા હતા. 


રહાણે અને મિચેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી
7 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ અજિંક્ય રહાણે અને ડેરલ મિચલે ઈનિંગને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 45 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. મિચેલ 26 બોલમાં 34 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તો રહાણેએ 30 બોલમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 45 રન બનાવ્યા હતા. શિવમ દુબે 17 બોલમાં માત્ર 18 રન બનાવી શક્યો હતો. જ્યારે સમીર રિઝવી શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. 


ધોની બેટિંગ કરવા આવતા દર્શકોમાં ઉત્સાહ
આજે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ બેટિંગ કરવા આવ્યો હતો. ધોની ક્રીઝ પર આવ્યો તો મેદાનમાં દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા. ધોનીએ પ્રથમ બોલ પર જ બાઉન્ડ્રી ફટકારી દર્શકોને ખુશ કરી દીધા હતા. એમએસ ધોનીએ અંતિમ ઓવરમાં 20 રન ફટકારી દીધા હતા. ધોનીએ માત્ર 16 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 37 રન ફટકારી દીધા હતા. જાડેજા 21 રન બનાવી અણનમ રહ્યો હતો. 


આ પણ વાંચોઃ 42 વર્ષના MS Dhoni એ બનાવ્યો મોટો રેકોર્ડ, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી


દિલ્હી કેપિટલ્સની મજબૂત શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ઓપનરોએ મજબૂત શરૂઆત અપાવી હતી. ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ આક્રમક બેટિંગ કરતા પાવરપ્લેમાં 62 રન ફટકારી દીધા હતા. દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો પૃથ્વી શોના રૂપમાં લાગ્યો હતો. શો 27 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સ સાથે 43 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 


વોર્નર અને પંતની અડધી સદી
ડેવિડ વોર્નરે પણ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. વોર્નર 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 52  રન બનાવી આઉટ થયો હતો. પથિરાનાના એક શાનદાર કેચની મદદથી વોર્નરની શાનદાર ઈનિંગનો અંત આવ્યો હતો. તો લાંબા સમય બાદ વાપસી કરનાર રિષભ પંત આજે લયમાં જોવા મળ્યો હતો. રિષભ પંતે 32 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 51 રન બનાવી આઉટ થયો હતો. 


મિચેલ માર્શે 12 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સ સાથે 18  રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 7 અને અભિષેક પોરેલ 9 રન બનાવી અણનમ રહ્યાં હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મથીષા પથિરાનાએ 4 ઓવરમાં 31 રન બનાવી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુસ્તફીઝુર અને જાડેજાને 1-1 સફળતા મળી હતી.