નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સે પોતાની અંતિમ લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 19 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હીના 14 પોઈન્ટ થઈ ગયા છે, પરંતુ ખરાબ નેટ રનરેટના કારણે તેના પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. બીજીતરફ આ હાર સાથે લખનૌ સુપર જાયન્ટ્સની એક મેચ બાકી છે, પરંતુ તે પ્લેઓફમાં પહોંચે તે અસંભવ લાગી રહ્યું છે. અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 208 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની જીતથી રાજસ્થાન પ્લેઓફમાં
દિલ્હી કેપિટલ્સની જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. કોલકત્તા બાદ રાજસ્થાને અંતિમ-4માં જગ્યા મેળવી લીધી છે. બીજીતરફ હવે પ્લેઓફ માટે બે સ્થાન બાકી છે અને ત્રણ ટીમ મુખ્ય દાવેદાર છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ પાસે સૌથી સારી તક છે. બીજીતરફ આરસીબી પણ રેસમાં છે. 


લખનૌ ટોપ ઓર્ડરનો ધબડકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેએલ રાહુલ 5 રન બનાવી ઈશાંત શર્માનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાંતે ડિ કોક (12) અને દીપક હુડ્ડા (0) ને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. જ્યારે માર્કસ સ્ટોયનિસ 5 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. લખનૌએ 44 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. 


નિકોલસ પૂરને ફટકારી અડધી સદી
લખનૌ તરફથી નિકોલસ પૂરને શાનદાર ઈનિંગ રમી હતી. પૂરને ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે 27 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 61 રન ફટકાર્યા હતા. આયુષ બડોની 6, ક્રુણાલ પંડ્યા 18 રન બનાવી આઉટ થયા હતા. યુદ્ધવિર સિંહ ચરક 14 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રવિ બિશ્નોઈએ 2 રન બનાવ્યા હતા. 


લખનૌ તરફથી આઠમાં ક્રમે બેટિંગ કરવા આવેલા અરશદ ખાને 33 બોલમાં 3 ચોગ્ગા અને 5 સિક્સ સાથે અણનમ 58 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્માએ 34 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે એક-એક વિકેટ ખલીલ અહમદ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ટ્રિસ્ટન સ્ટબ્સને મળી હતી. 


મેકગર્ક શૂન્ય પર આઉટ, પોરેલની અડધી સદી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ફ્રેઝર મેકગર્ક શૂન્ય રન પર આઉટ થયો હતો. બીજીતરફ અભિષેક પોરેલે કમાલની બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. અભિષેક પોરેલે 33 બોલનો સામનો કરતા 5 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 58 રનનું યોગદાન આપ્યું હતું. 


રિષભ પંત અને શાઈ હોપની ઉપયોગી ઈનિંગ
દિલ્હી તરફથી શાઈ હોપે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ સાથે 38 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન રિષભ પંતે 23 બોલમાં 5 ફોર સાથે 33 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં ટ્રિસ્ટન સ્ટબ્સે કમાલની બેટિંગ કરી હતી. સ્ટબ્સે 25 બોલમાં 3 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 57 રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર 14 રન બનાવી અણનમ રહ્યો હતો.