સાલ્ટ લેક સિટી (અમેરિકા): ભારતીય આર્ચરી ખેલાડી દીપિકા કુમારીએ ખરાબ ફોર્મમાંથી બહાર આવીને રવિવારે અહીં વિશ્વકપમાં મહિલા રિકર્વમાં ગોલ્ડ મેડલ જીત્યો. દીપિકાએ ફાઇનલમાં જર્મનીની મિશેલી ક્રોપેનને 7-3થી હરાવી અને 6 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. વર્લ્ડકપ ફાઇનલમાં 4 વખતની સિલ્વર મેડલ વિજેતા (2011, 2012, 2013 અને 2015)એ આ જીત સાથે તુર્કીના સૈમસનમાં યોજાનારી આર્ચરી વિશ્વકપ ફાઇનલ માટે સ્વતઃ ક્વોલિફાઇ કરી લીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્રની અંતિમ સ્પર્ધામા તે 7મી વખત દેશનું પ્રતિનિધિત્વ કરશે. દીપિકાએ આ પહેલા અંતાલ્યામાં 2012માં ખિતાબી જીત મેળવી હતી. તેણે કહ્યું, જ્યારે મેં અહીં ગોલ્ડ મેડલ જીત્યો, તો મેં કહ્યું હું આખરે સફળ રહી. ભારતીય ખેલાડીએ સંભવિત 30 અંકમાંથી 29 અંક મેળવીને શરૂઆત કરી અને 2-0ની લીડ મેળવી લીધી. ત્યારબાદ તેણે ક્રોપેન સાથે અંક વેંચ્યા. જર્મન ખેલાડીએ ત્રીજો સેટ જીતીને મેચ 3-3થી બરોબરી પર લાવી દીધો. 



દીપિકાએ ત્યારબાદ 29 અને 27ના સ્કોર પર ચોથો અને પાંચમો સેટ જીત્યો. આ વચ્ચે ક્રોપેનનો સ્કોર 26 રહ્યો. આ રીતે ભારતીય ખેલાડીએ 7-3થી મેચ પોતાના નામે કર્યો. દીપિકાએ કહ્યું, હું મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છતી હતી. પોતાની રમતનો આનંદ માણો અને જીત કે હાર ભૂલી જાઓ. ચીની તાઈપેની તાન યા તિંગે મહિલા રિકર્વમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. દીપિકાને રિકર્વ ડબલ્સમાં નિરાશા હાથ લાગી. તેની અને અતનુ દાસની જોડી બ્રોન્ઝ મેડલના પ્લેઓફ મેચમાં ચીની તાઇપેની તાંગ ચીહ ચુન અને કાન યા તિંગ સામે 4-5થી હારી ગઈ.