India vs Australia: ચોથા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયા 258/8, ભારત વિજયથી બે વિકેટ દૂર
મેલબોર્ન ટેસ્ટમાં ભારતે વિજય મેળવવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 258 રન બનાવી લીધા છે હજુ તેની બે વિકેટ બાકી છે. ભારતીય ટીમ આવતીકાલે ઝડપથી બે વિકેટ ઝડપીને શ્રેણીમાં 2-1થી લીડ મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે આપેલા 399 રનના પહાડી લક્ષ્ય સામે ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 8 વિકેટ ગુમાવી 257 રન બનાવી લીધા છે. દિવસના અંતે પેટ કમિન્સ 60 અને નાથન લિયોન 8 રન બનાવી ક્રિઝ પર હતા. ભારતે અંતિમ દિવસે ટેસ્ટ મેચ જીતવા અને શ્રેણીમાં 2-1ની લીડ મેળવવા માટે 2 વિકેટની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા હજુ પોતાના લક્ષ્યથી 141 રન દૂર છે. પેટ કમિન્સ અને નાથન લાયને નવમી વિકેટ માટે 43 રન જોડતા ભારત ચોથા દિવસે વિજયથી વંચિત રહ્યું હતું. ભારત તરફથી જાડેજાએ ત્રણ, બુમરાહ-શમીએ બે-બે તથા ઈશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. કમિન્સ અને લાયને ચોથા દિવસે ભારતને જીતથી વંચિત રાખ્યું હતું. આ બંન્નેએ નવમી વિકેટ માટે 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 8 વિકેટ પર 106 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો, જેથી યજમાન ટીમને જીતવા માટે 399 રનનો લક્ષ્ય આપ્યો હતો. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 5મા દિવસે કંઇ અનોખુ વરસાદ થવાની સંભાવના છે, જે વરસાદ ન આવે તો ભારતની જીત નક્કી માનવામાં આવી રહી છે. જો આમ થશે તો પ્રથમવાર બનશે કે, ભારત બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ થશે. ઈતિહાસ પર નજર કરીએ તો આ પહેલા યજમાન ટીમ ઓસ્ટ્રેલિયામાં 7 બોક્સિંગ ડે ટેસ્ટ રમેલી ટીમ ઈન્ડિયાનો પાંચમાં પરાજય તો બે મેચ ડ્રો રહી છે.
પેટ કમિન્સની અડધી સદી
ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનાર કમિન્સે બેટિંગમાં પણ અડધી સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 5 ચોગ્ચા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
કાંગારૂએ આઠમી વિકેટ ગુમાવી
મોહમ્મદ શમીએ મિશેલ સ્ટાર્કને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને આઠમો ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે 27 બોલનો સામનો કરતા 18 રન બનાવ્યા હતા.
ઓસિના 200 રન પૂરા
399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે 200 રન પૂરા કરી લીધા છે. તેણે સાત વિકેટ પણ ગુમાવી દીધી છે. પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક હાલ ક્રિઝ પર છે.
જાડેજાની મળી ત્રીજી સફળતા
રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનને રિષભ પંતના હાથે કેચઆઉટ કરાવીને કાંગારૂને સાતમો ઝટકો આપ્યો હતો. પેને 26 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર બાઉન્ડ્રી ફટકારી હતી.
ટ્રેવિસ હેડ આઉટ
ઈશાંત શર્માએ ટી બાદ ટ્રેવિસ હેડ (34)ને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 157 રનના સ્કોરે છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.
ટી સમયે 138/5
ચોથા દિવસે ટી સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 138/5 છે. ભારત મેલબોર્નમાં ઐતિહાસિક જીતથી માત્ર પાંચ વિકેટ દૂર છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 2, બુમરાહે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ ઝડપી છે.
ઓસિને પાંચમો ઝટકો
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપતા મિશેલ માર્શને આઉટ કર્યો હતો. માર્શ 10 રન બનાવી આઉટ થયો હતો. ભારત મેલબોર્નમાં જીતથી માત્ર પાંચ વિકેટ દૂર છે.
બુમરાહ બુમ બુમ
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બેટિંગ કરી રહેલા શોન માર્શ (45)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો આપ્યો હતો. માર્શે 72 બોલનો સામનો કરતા ચાર ફોર અને એક સિક્સ ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ કુલ 116 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી.
ઓસિના 100 રન પૂરા
ઉસ્માન ખ્વાજા આઉટ થયા બાદ શોન માર્શ અને ટ્રેવિસ હેડે બાજી સંભાળી હતી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે ઈનિંગની 30મી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા.
શમીએ ઓસિને આપ્યો ત્રીજો ઝટકો
લંચ બાદ ભારતીય બોલર મોહમ્મદ શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. તેણે ઉસ્માન ખ્વાજા (33)ને LBW આઉટ કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 64 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.
લંચ સમયે ઓસ્ટ્રેલિયા 44-2
ચોથા દિવસનું પ્રથમ સત્ર ભારત માટે શાનદાર રહ્યું હતું. બીજો દાવ ડિકલેર કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની બે વિકેટ ઝડપી લીધી છે. એક સફળતા બુમરાહ તો બીજી સફળતા જાડેજાને મળી હતી. લંચ સમયે ઉસ્માન ખ્વાજા 26 અને શોન માર્શ 2 રને બેટિંગ કરી રહ્યાં છે.
માર્કસ હૈરિસ આઉટ
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ઓપનર માર્કસ હૈરિસ (13)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. મયંક અગ્રવાલે હૈરિસનો કેચ ઝડપ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 34 રનમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ શરૂ
ભારતે આપેલા 399 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે એરોન ફિન્ચ (3)ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેનો કેચ કેપ્ટન કોહલીએ કર્યો હતો.
ભારતે આપ્યો 399નો ટાર્ગેટ
ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ જીતવા માટે ઓસ્ટ્રેલિયાને 399 રનનો લક્ષ્ય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેનો બીજો દાવ 106/8 પર ડિકલેર કર્યો હતો.
આ પહેલા ભારતે આજે ત્રીજા દિવસના સ્કોર 54/5થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેને દિવસનો પ્રથમ અને ઓવરઓલ છઠ્ઠો ઝટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. તેને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. મયંક 42 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ જાડેજાને કમિન્સે 5 રને આઉટ કરતા ભારતને સાતમો ઝટકો આપ્યો હતો.
106 રનના ટીમ સ્કોર પર પંતની વિકેટ પડી હતી. તે 43 બોલમાં 33 રન બનાવી આઉટ થયો હતો. તે આઉટ થતા ભારતે દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 27 રન આપીને 6 જ્યારે હેઝલવુડે 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
પેટ કમિન્સનો કહેર, આમ પડી 4 વિકેટ
બીજી ઈનિંગમાં મોટા સ્કોરનું સપનું જોઈને આવેલી ભારતીય ટીમને પેટ કમિન્સે એક બાદ એક ચાર ઝટકા આપીને હાલત ખરાબ કરી દીધી હતી. ભારતને પ્રથમ ઝટકો હનુમા વિહારીના રૂપમાં લાગ્યો હતો. તે 13 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. તેનો કેચ ઉસ્માન ખ્વાજાએ ઝડપ્યો હતો. પેટ કમિન્સનો બીજો શિકાર પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર પૂજારા રહ્યો હતો. તે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
ભારતને ત્યારાદ ત્રીજો ઝટકો કેપ્ટન કોહલીના રૂપમાં લાગ્યો હતો. તે પણ શૂન્ય રને કમિન્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રહાણેને કમિન્સે પેવેલિયન મોકલીને ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. રહાણે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારબાદ દિવસ પૂરો થાય તે પહેલા હેઝલવુડે રોહિત શર્માને આઉટ કરીને ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો.
ત્રીજા દિવસે પડી કુલ 15 વિકેટ
ત્રીજા દિવસે કુલ 15 વિકેટ પડી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની 10 અને ભારતની 5 વિકેટ સામેલ છે.