IPL 2019, Eliminator: દિલ્હી 2 વિકેટથી જીત્યું, હૈદરાબાદ આઈપીએલમાંથી બહાર
રિષભ પંતની શાનદાર બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ક્વોલિફાયર-2માં પ્રવેશ કરી લીધો છે.
વિશાખાપટ્ટનમઃ રિષભ પંત (49)ની ધમાકેદાર ઈનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 2 વિકેટે પરાજય આપીને શુક્રવારે ચેન્નઈ સામે મુકાલાત પાક્કી કરી લીધી છે. દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આઈપીએલમાં નોકઆઉટ મુકાબલો જીતવામાં સફળ રહી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 162 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 165 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે હૈદરાબાદ ટૂર્નામેન્ટમમાંથી આઉટ થઈ ગયું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ શુક્રવાર (10 મે)એ આજ મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર-2માં ટકરાશે.
પૃથ્વી શો અને ધવને અપાવી ધમાકેદાર શરૂઆત
દિલ્હી કેપિટલ્સને ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 55 રન જોડ્યા હતા. પૃથ્વી શોએ વધારે આક્રમક બેટિંગ કરી હતી. દિલ્હીએ 8મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. શિખર ધવન (17) દીપક હુડ્ડાની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ પૃથ્વી શોએ આ સિઝનમાં પોતાની બીજી અડધી સદી પૂરી કરી હતી.
ખલીલે એક ઓવરમાં આપ્યા બે ઝટકા
એક સમયે લાગી રહ્યું હતું કે, દિલ્હી મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે ઈનિંગની 11મી ઓવરમાં ખલીલ અહમદે રિષભ પંત (56) અને શ્રેયર અય્યર (8)ને આઉટ કરીને હૈદરાબાદને મહત્વની સફળતા અપાવી હતી. પૃથ્વી શો 38 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી વિજય શંકરના હાથે કેચઆઉટ થયો હતો. જ્યારે અય્યર 10 બોલનો સામનો કરીને વિકેટકીપરને કેચ આપી બેઠો હતો.
ગુપ્ટિલ આઉટ થયા બાદ કેન વિલિયમ્સન અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 34 રન જોડ્યા હતા. ઈનિંગની 14મી ઓવરમાં કીમો પોલે મનીષ પાંડે (30)ને રુદરફોર્ડના હાથે કેચ આઉટ કરાવીને દિલ્હીને ત્રીજી સફળતા અપાવી હતી. મનીષ પાંડેએ 34 બોલનો સામનો કરતા 3 બાઉન્ડ્રી ફટકારી હતી. ઈશાંત શર્માએ કેન વિલિયમ્સનને પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. કેન વિલિયમ્સને 28 રન બનાવ્યા હતા.
વિજય શંકરે શાનદાર બેટિંગ કરતા 11 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 25 રનનું યોગદાન આપ્યું હતું. શંકરને ટ્રેન્ટ બોલ્ટે આઉટ કર્યો હતો. મોહમ્મદ નબી 13 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. દીપક હુડ્ડા (4) રન આઉટ થયો હતો. રાશિદ ખાન પણ 1 રન બનાવી કીમો પોલનો શિકાર બન્યો હતો.
દિલ્હી તરફથી કીમો પોલે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માને બે તથા બોલ્ટ અને અમિત મિશ્રાને એક-એક સફળતા મળી હતી.
બંન્ને ટીમમાં એક-એક ફેરફાર
બંન્ને ટીમોએ પોતાની અંતિમ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. હૈદરાબાદની ટીમમાં યૂસુફ પઠાણના સ્થાને દીપક હુડ્ડાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે કોલિન ઇન્ગ્રામના સ્થાને કોલિન મુનરોને તક આપી છે.
ટીમો
દિલ્હી કેપિટલ્સઃ પૃથ્વી શો, શિખર ધવન, કોલિન મુનરો, શ્રેયસ અય્યર, રિષભ પંત, શેરફને રુદરફોર્ડ, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, ટ્રેન્ટ બોલ્ટ.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ રિદ્ધિમાન સાહા, માર્ટિન ગુપ્ટિલ, મનીષ પાંડે, કેન વિલિયમ્સન, વિજય શંકર, મોહમ્મદ નબી, દીપક હુડ્ડા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, કે ખલીલ અહમદ, બેસિલ થમ્પી.