CSK vs DC: રોમાંચક મેચમાં ચેન્નઈને ત્રણ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી દિલ્હી કેપિટલ્સ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2021ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે રિષભ પંતની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સ પાસે નંબર વન સાથે લીગ રાઉન્ડ ખતમ કરવાની શાનદાર તક છે. જ્યારે ધોનીની ટીમ 13 મેચમાં 9 જીત સાથે 18 પોઈન્ટ મેળવી બીજા સ્થાને છે. ચેન્નઈનો આ સતત બીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 7 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
દિલ્હીની ઈનિંગનો રોમાંચ
ચેન્નઈએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને 24 રનના સ્કોર પર પૃથ્વી શો (18)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. શો 12 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકારી દીપક ચાહરની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યર બે રન બનાવી હેઝલવુડની ઓવરમાં કેચઆઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં 2 વિકેટે 51 રન બનાવ્યા હતા.
પોતાના જન્મદિવસના દિવસે કેપ્ટન રિષભ પંત 15 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ જાડેજાએ રિપલ પટેલને 18 રને દીપક ચાહરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આર અશ્વિન 2 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. શિખર ધવનના રૂપમાં દિલ્હીને છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. ધવન 35 બોલમાં 2 સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 39 રન બનાવી આઉટ થયો હતો.
અંતમાં શિમરોન હેટમાયરે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 28 રન ફટકારી દિલ્હીને જીત અપાવી હતી. રબાડા 4 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ચેન્નઈ તરફથી શાર્દુલ અને જાડેજાને બે-બે વિકેટ મળી હતી. આ સિવાય દીપક ચાહર, જોશ હેઝલવુડ અને ડ્વેન બ્રાવોને એક-એક સફળતા મળી હતી.
ચેન્નઈના બંને ઓપનરો સસ્તામાં આઉટ
આઈપીએલ-2021માં ચેન્નઈની સફળતામાં મોટો ફાળો ઓપનરોએ અપાવેલી શાનદાર શરૂઆત રહી છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ચેન્નઈના બંને ઓપનરો સસ્તામાં આઉટ થયા હતા. ટીમનો સ્કોર 28 રન હતો ત્યારે ફાફ ડુ પ્લેસિસ (10) ને અક્ષર પટેલે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ રુતુરાજ ગાયકવાડ (13) એનરિક નોર્ત્જેનો શિકાર બન્યો હતો. ચેન્નઈએ પાવરપ્લેમાં બે વિકેટે 48 રન બનાવ્યા હતા.
મોઇન અલીના રૂપમાં ચેન્નઈને ત્રીજો ઝટકો લાગ્યો હતો. મોઇન 5 રન બનાવી અક્ષરની ઓવરમાં આઉટ થયો હતો. આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલ રોબિન ઉથપ્પા 19 બોલમાં 19 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચઆઉટ થયો હતો. એમએસ ધોનીએ 27 બોલનો સામનો કરતા 18 રન બનાવ્યા હતા. ધોની આવેશ ખાનનો શિકાર બન્યો હતો.
રાયડૂની અડધી સદી
ચેન્નઈ માટે સૌથી વધુ રન અંબાતી રાયડૂએ બનાવ્યો હતો. રાયડૂ 43 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 55 રન બનાવી અણનમ રહ્યો હતો. જાડેજા 1 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી અક્ષરે 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય નોર્ત્જે, આવેશ ખાન અને અશ્વિનને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube