ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન Sushil Kumar ની હત્યા કેસમાં ધરપકડ
સુશીલકુમાર છત્રસાલ સ્ટેડિયમમાં એક પૂર્વ આંતરરાષ્ટ્રીય પહેલવાનની હત્યામાં સામેલ હોવાના આરોપનો સામનો કરી રહ્યા છે.
નવી દિલ્હી: ઓલિમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલકુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. પહેલવાન સુશીલકુમારને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી. મળતી માહિતી મુજબ સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી લીધી છે. દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી સુશીલકુમાર અને અજયની ધરપકડ થઈ છે. બંને કાર છોડીને સ્કૂટી પર સવાર થઈ કોઈને મળવા જઈ રહ્યા હતા.
અત્રે જણાવવાનું કે એક હત્યાના આરોપમાં આરોપી પહેલવાન સુશીલકુમારની ધરપકડ કરવા માટે પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા. દિલ્હીમાં પણ અનેક સ્થળોએ દિલ્હી પોલીસે દરોડા પાડ્યા પરંતુ સુશીલકુમાર હાથમાં આવ્યો નહતો.
સુશીલકુમાર છત્રસાલ સ્ટેડિયમમાં એક પૂર્વ આંતરરાષ્ટ્રીય પહેલવાનની હત્યામાં સામેલ હોવાના આરોપનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ ફરાર હતા. દિલ્હીની એક કોર્ટે હાલમાં જ તેમને આગોતરા જામીન આપવાની પણ ના પાડી હતી. સુશીલે મંગળવારે રોહિણીની જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી.
18 મેના રોજ લુકઆઉટ નોટિસ બહાર પડી હતી
પહેલવાન સાગર ધનખડની હત્યાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યા બાદ 4 મેથી તેમનો કોઈ અતોપતો નહતો. આ અંગે ફીડબેક અને સૂચના મેળવવા માટે દિલ્હી પોલીસે એક લાખ રૂપિયા કેશના ઈનામની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ સુશીલે જામીન માટે અરજી કરી હતી. કોર્ટે 15 મેના રોજ સુશીલકુમાર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ પણ બહાર પાડ્યું હતું. ગત અઠવાડિયે દિલ્હી પોલીસે તેમના માટે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડી હતી.