ઓડેન્સે (ડેનમાર્ક): ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ રવિવાર (21 ઓક્ટોબર) બીજીવાર ડેનમાર્ક ઓપનનું ટાઇટલ જીતવાથી ચુકી ગઈ હતી. સાઇનાને મહિલા સિંગલ્સના ફાઇનલમાં ચીની તાઇપેની ખેલાડી તાઇ જુ યિંગે પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-1 યિંગે સાઇનાને 52 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં  21-13, 13-21, 21-6થી પરાજય આપીને ડેનમાર્ક ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ ટાઇટલ જીતની સાથે યિંગ કોઈપણ વર્ગમાં ડેનમાર્ક ઓપન ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ ચીની તાઇપે ખેલાડી બની ગઈ છે. 


તેણે શનિવારે ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગને 21-11, 21-12થી હરાવીને મહિલા સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંતે હારનો સામનો કરવો પડ્યો હતો. 


સાઇના નેહવાલે સતત બે દિવસમાં જાપાનની બે સ્ટાર ખેલાડીઓ નાજોમી આકુહારા અને અકાને યામાગુચીને હરાવી હતી. તેના આ શાનદાર ફોર્મને જોતા સેમીફાઇનલમાં ગ્રિગોરિયા મરિસ્કા તુંનજુંગ વિરુદ્ધ તેને જીતની દાવેદાર માનવામાં આવતી હતી. વર્લ્ડ નંબર-10 સાઇનાએ સેમીમાં આસાન જીત મેળવી હતી. 


ઉલ્લેખનીય છે કે સાઇના નેહવાલ આ પહેલા 2012માં આ ટૂર્નામેન્ટમાં જીતી હતી. ત્યારે તેણે ફાઇનલમાં જર્મનીની જૂલિયન શેંકને હરાવી હતી. સાઇના નેહવાલ 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી. આ સિવાય તેણે એશિયન ગેમ્સમાં પણ મેડલ મેળવ્યો હતો.