IPLમાં એક પણ ચોગ્ગા વગર કરી ધુઆંધાર બેટિંગ, જાણો કઈ રીતે બનાવ્યો અનોખો રેકોર્ડ
નવી દિલ્લીઃ ઈન્ડિય પ્રીમિયર લીગ એટલે કે IPLમાં રોજ નવા નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. વિશ્વભરના ખેલાડી પોતાના ઉમદા પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓને ખુશ કરી રહ્યા છે. IPL 2022માં અત્યાર સુધી 13 મેચ રમાઈ ચુકી છે. જેમાં અનેક રેકોર્ડ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ સિઝનની 13મી મેચ રોયલ ચેલેન્જર બેંગલોર અને IPLની પહેલી સિઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતી. આ મેચમાં રાજસ્થાનની હાર થઈ પરંતુ તેના એક ખેલાડીએ શાનદાર પ્રદર્શનથી ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.
રાજસ્થાનના ઓપનર જોસ બટલરે મંગળવારે બેંગ્લોર સામે રમાયેલી મેચમાં શાનદાર અર્ધશતક લગાવી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે...બટલરે 47 બોલમાં એક પણ ફોર લગાવ્યા સિવાય અણનમ 70 રન તો બનાવ્યા જ. સાથે સાથે સંપૂર્ણ 20 ઓવર પીચ પર ટકેલા રહ્યા છે. જે એક અનોખો રેકોર્ડ છે. આ પહેલા 2010માં ઝિમ્બાબ્વેની એક ડોમેસ્ટીક ક્રિકેટમાં ચિગુમ્બરાએ પણ એક પણ ચોગ્ગો ફટકાર્યા વીના 65 રનની શાનદાર પારી ખેલી હતી. તો IPLમાં કોઈ પણ ફોર માર્યા વગર સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ નીતિશ રાણાના નામે હતો. રાણાએ 62 રનની પારી ખેલી હતી.
IPL 2022ની 13મી મેચમાં બટલરે એક પણ ફોર ન લગાવી 70 રન બનાવ્યા. જેના કારણે IPLના ઈતિહાસમાં એક પણ ફોર વગર સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે થઈ ગયો છે...બટલરે પોતાની ઈનિંગમાં છ સિક્સ ફટકારી પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. તો જોસ બટલરના આ 70 રન સાથે જ સિઝનમાં 200 રન પૂર્ણ થયા છે. અને તેમની પાસે હવે ઓરેન્જ કેપ આવી ગઈ છે. આ સાથે IPLમાં એક પણ ફોર વગર સૌથી વધારે સિક્સ મારવાના
લિસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયા છે. આ પહેલા નીતિશ રાણા અને સંજૂ સૈમસને પોતાની ઈનિંગમાં 7-7 સિક્સ લગાવી હતી. તો જોસ બટલર આ સીઝનમાં એક માત્ર એવા બેટ્સમેન છે જેમણે સદી ફટકારી હોય. બટલરે આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 68 બોલમાં 100 રનની વિસ્ફોટક ઈનિંગ ખેલી હતી. જે બટલરના IPL કેરિયરની બીજી સદી હતી.