ચેસ્ટર લી સ્ટ્રીટઃ શ્રીલંકા વિશ્વકપમાં પહેલા જ બહાર થઈ ગયું છે પરંતુ ટીમના ઓફ સ્પિનર ધનંજય ડિસિલ્વાનું માનવું છે કે, તે શનિવારે ભારતને અપસેટનો શિકાર બનાવી જીતથી પોતાના અભિયાનનો અંત કરી શકે છે. શ્રીલંકાનું વિશ્વકપમાં ચઢાવ-ઉતાર ભર્યું પ્રદર્શન રહ્યું. તેણે સોમવારે વેસ્ટ ઈન્ડિઝને 23 રને પરાજય આપ્યો હતો. આ મેદાન પર ચાર દિવસ પહેલા તેણે આફ્રિકા વિરુદ્ધ 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ તેની ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત છે પરંતુ આ પહેલા ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાએ આ વચ્ચે ઈંગ્લેન્ડનું સમીકરણ બગાડ્યું અને ડિસિલ્વાનું માનવું છે કે તેની ટીમ હેડિંગ્લેમાં વિરાટ કોહલીની ટીમને પણ હરાવી શકે છે. શ્રીલંકાએ ભારત વિરુદ્ધ છેલ્લી 8 વનડેમાંથી માત્ર એકમાં જીત મેળવી છે પરંતુ 2017મા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓવલમાં રમાયેલી મેચમાં તેણે સાત વિકેટથી જીત હાસિલ કરી હતી. ભારતે 2011 વિશ્વ કપના ફાઇનલમાં શ્રીલંકાને પરાજીત કર્યું હતું. 


ડિસિલ્વાએ કહ્યું કે તેની ટીમ પાસે ટાઇટલની પ્રબળ દાવેદાર ભારત વિરુદ્ધ ગુમાવવા માટે કશું નથી. તેણે કહ્યું, અમે અન્ય આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ સારૂ પ્રદર્શન કર્યું છે અને અમે વેસ્ટ ઈન્ડિઝને પરાજય આપ્યો હતો. જો અમે તે આત્મવિશ્વાસ સાથે આગામી મેચમાં ઉતર્યે તો ભારતને ફરી હરાવી શકીએ. ડિસિલ્વાએ કહ્યું, અમે પ્રત્યેક મેચ જીતવા માટે અમારી તરફથી ખૂબ મહેનત કરી રહ્યાં છીએ અને જો અમે ભારતને હરાવીએ તો પાંચમાં સ્થાને રહી શકીએ છીએ.