ડાયના એડુલ્જીનો ઇશારો, વિશ્વ કપ 2019માંથી પણ બહાર થઈ શકે છે હાર્દિ-રાહુલ
પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના એડુલ્જીએ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના નિવેદનોને શરમજનક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ક્રિકેટર બાળકોનો રોલમોડલ હોય છે, તેણે આવી વાતો કરવી જોઈએ નહીં.
મુંબઈઃ કરણ જૌહરના શો પર કરવામાં આવેલા કથિત વિવાદિત ટિપ્પણીઓની કિંમત હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલન વિશ્વ કપ 2019માંથી બહાર થઈને ચુકવવી પડી શકે છે. આવો ઈશારો પ્રશાસનિક સમિતિના સભ્ય અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના એડુલ્જીએ કર્યો છે. શુક્રવારે ડાયનાની ભલામણ બાદ પંડ્યા અને રાહુલને આગામી પગલા સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેની ભલામણ કરતા પહેલા એડુલ્જીએ કાયદાકિય સલાહ લીધી હતી.
લો ફર્મે એડુલ્જીને જાણકારી આપી હતી કે, બંન્ને ખેલાડીઓની ટિપ્પણી કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન ન માની શકાય. ત્યારબાદ એડુલ્જીએ આગામી પગલા સુધી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ બંન્ને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી ભારત પરત બોલાવી લેવામાં આવ્યા છે. એડુલ્જીએ જણાવ્યું કે, હવે બીસીસીઆઈ પેનલ નક્કી કરશે શું સજા કરવામાં આવે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું બંન્ને ખેલાડી 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં નહીં હોય? એડુલ્જીએ કહ્યું કે, આમ થઈ શકે છે.
IndvsAus: છેલ્લા 82 વર્ષોમાં બીજીવાર શિસ્તને કારણે ખેલાડીઓને સ્વદેશ મોકલવામાં આવશે
નિવેદનોને ગણાવ્યા શરમજનક
એડુલ્જી બંન્ને ક્રિકેટરોના નિવેદનને શરમજનક ગણાવે છે. તેમણે કહ્યું કે, મહિલાઓ પર આવી વાતો કરવી શરમજનક છે. ક્રિકેટરો બાળકોના રોલ મોડલ હોય છે. તેના નિવેદનથી બીસીસીઆઈની છબી ખરાબ થાય છે.
ત્યારબાદ એડુલ્જીને પૂછવામાં આવ્યું કે, ઓલરાઉન્ડર હોવાને કારણે પંડ્યા આઈસીસી વિશ્વ કપની ટીમનો મહત્વનો ભાગ છે અને રાહુલને પણ મહત્વની ભૂમિકા આપી શકાય છે. તેના પર એડુલ્જીએ કહ્યું કે, નિર્ણય લેવા સમયે આ વાતને ધ્યાનમાં રાખવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, રમત અને સંસ્થાથી મોટું કોઈ હોતું નથી.