દિનેશ કાર્તિકની ટીમ ઈન્ડિયામાં 37 વર્ષની ઉંમરે વાપસી, ભાવુક થઈને લખ્યો ખાસ મેસેજ
કેટલાંક સમય પહેલાં કોમેન્ટ્રી કરી રહેલા દિનેશ કાર્તિક હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની ગયો છે. કેમ કે આફ્રિકાની સિરીઝ માટે દિનેશ કાર્તિકની ટીમ ઈન્ડિયા માટે પસંદગી કરવામાં આવી છે. જેના પછી તેણે ખાસ મેસેજ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગની લીગ મેચ પૂરી થઈ ગઈ છે. હવે પ્લે ઓફ મુકાબલા શરૂ થવાના છે. તેની વચ્ચે દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ટીમની કમાન લોકેશ રાહુલ જેવા યુવા ખેલાડીને હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ તેની વચ્ચે ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયામાં અમુક ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. જેમાં 37 વર્ષના દિનેશ કાર્તિકનું નામ પણ છે.
આઈપીએલે ફરી ટીમમાં સ્થાન અપાવ્યું:
IPL 2022માં રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુ ટીમ તરફથી રમતાં દિનેશ કાર્તિકે ટીમ માટે ધમાકેદાર ઈનિંગ્સ રમી. સાથે જ ટીમ માટે કેટલીક મેચ પણ ફિનિશ કરી. પરિણામ એ આવ્યું કે દિનેશ કાર્તિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માગણી સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટરોએ મૂકી. અને જ્યારે આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ત્યારે દિનેશ કાર્તિકનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો.
સોશિયલ મીડિયા પર ભાવુક થયો દિનેશ કાર્તિક:
ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી પછી દિનેશ કાર્તિક ઈમોશનલ થઈ ગયો. તેણે ટ્વિટર પર લખ્યું કે જો તમે પોતાની જાત પર વિશ્વાસ રાખો તો બધું તમારા પક્ષમાં આવી શકે છે. તમારા બધાના સમર્થન અને વિશ્વાસ માટે આભાર. મહેનત ચાલુ રહેશે. આ ટ્વિટ ઉપરાંત દિનેશ કાર્તિકે રોયલ ચેલેન્ઝર્સ બેંગાલુરુની યુ-ટ્યૂબ ચેનલ પર પણ એક મેસેજ આપ્યો. જેમાં તેણે કહ્યું કે આ તેનું સૌથી શાનદાર કમબેક રહ્યું છે. અનેક લોકોએ મારા પ્રત્યેથી આશા છોડી દીધી હતી. તેના પછી વાપસી માટે મહેનત કરી. અને પછી બધું મારા પક્ષમાં આવતું ગયું.
2022ની આઈપીએલ શાનદાર રહી:
IPL 2022માં દિનેશ કાર્તિક જોરદાર ફોર્મમાં જોવા મળ્યો. તેણે પોતાની ટીમને શાનદાર રીતે મેચ ફિનિશ કરીને આપી. જેના કારણે ટીમ અત્યારે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. કાર્તિકે આ સિઝનની 14 મેચમાં 287 રન બનાવ્યા. જેમાં તેની એવરેજ 57ની રહી છે. જ્યારે તે 9 વખત નોટઆઉટ રહ્યો. દિનેશ કાર્તિકે એવી રમત દર્શાવી કે તેને ટી-20 વર્લ્ડકપમાં ફિનિશર તરીકે જોવામાં આવી રહ્યો છે.