12 વર્ષ બાદ વિશ્વકપની ટીમમાં કાર્તિક, શું આ વખતે મળશે અંતિમ-11માં તક?
વર્લ્ડ કપ માટે ટીમમાં યુવા વિકેટકીપર રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે.
કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે કહ્યું કે, વિશ્વકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળવું તેના માટે સપનું સાકાર થવા જેવું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત યજમાનીમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપ માટે સોમવારે 15 સભ્યોવાળી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
ટીમમાં યુવા વિકેટકીપર રિષભ પંતને સ્થાન મળ્યું નથી. તેની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. કાર્તિકે સોમવારે રાત્રે આઈપીએલની પોતાની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સની વેબસાઇટ પર કહ્યું, હું ખુબ ઉત્સાહિત છું. લાંબા સમય બાદ આ ટીમમાં હોવું સપનું સાકાર થવા સમાન છે.
ભારત માટે 91 વનડે મેચ રમનાર કાર્તિકે આગળ કહ્યું, એક ટીમના રૂપમાં, અમે કેટલિક ખાસ વસ્તુ કરી છે અને હવે હું તે સમયમાંથી પસાર થઈ રહ્યો છું અને હું વાસ્તવમાં આ ટીમનો ભાગ બનવા ઈચ્છું છું.
IPL: ભારતની વિશ્વકપ ટીમમાં રાજસ્થાન રોયલ્સનો એકપણ ખેલાડી નહીં
પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે પંતની ઉપર કાર્તિકને મહત્વ આપવાના સવાલ પર કહ્યું કે, કાર્તિકનો અનુભવ તેના પક્ષમાં ગયો છે. પ્રસાદે કહ્યું, અમે પંત અને કાર્તિક પર વિચાર રહ્યો, કાર્તિક એક અનુભવી ખેલાડી છે, તેથી અમે તેને પસંદ કર્યો છે. જ્યારે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની નહીં હોય ત્યારે મુશ્કેલ સમયમાં ટીમને સંભાળવા માટે એક અનુભવી ખેલાડી જોઈએ જે શાંત રહીને મેચને સંભાળી શકે. આ મામલામાં કાર્તિક આગળ નિકળી ગયો.