Drona Desai: 86 ચોગ્ગા, 7 છગ્ગા, 18 વર્ષના આ ગુજરાતી છોકરાએ ઠોક્યા 498 રન, રેકોર્ડ બુકની ધજ્જિયાં ઉડાવી દીધી
અમદાવાદના 18 વર્ષના ક્રિકેટર દ્રોણ દેસાઈએ સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તબાહી મચાવી હતી. દ્રોણ દેસાઈએ પોતાની ટીમ ઝેવિયર માટે 498 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 86 ફોર અને 7 સિક્સ પણ ફટકારી હતી. આ રીતે તેણે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવ્યું છે.
18 વર્ષના દ્રોણ દેસાઈએ દીવાન બલ્લુભાઈ કપ અંડર 19 મલ્ટીડે ટુર્નામેન્ટ દરમિાયન 498 રન બનાવીને રેકોર્ડ કર્યો છે. પોતાની આ તોફાની ઈનિંગથી તેણે મેદાન પર જાણે તબાહી મચાવી દીધી. મંગળવારે ગાંધીનગરના શિવાય ક્રિકેટ મેદાન પર દ્રોણે જેએલ ઈંગ્લિશ સ્કૂલ વિરુદ્ધ પોતાની સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ (લોયેલા) માટે આ પ્રચંડ ઈનિંગ રમી.
દ્રોણ દેસાઈએ પોતાની મેરાથન ઈનિંગ દરમિયાન 320 બોલનો સામનો કર્યો. જેમાં સાત છગ્ગા અને 86 ચોગ્ગા સામેલ હતા. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ વાર્ષિક ટુર્નામેન્ટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજવામાં આવે છે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન હેઠળ આવે છે.
દ્રોણ દેસાઈએ મેચ બાદ કહ્યું કે તે એ વાતથી નિરાશ છે કે 500 રનનો આંકડો ચૂકી ગયો કારણ કે તેને ખબર નહતી કે તે આ રેકોર્ડની આટલી નજીક છે. દેસાઈએ કહ્યું કે મેદાનમાં કોઈ સ્કોરબોર્ડ નહતું અને મારી ટીમે મને જણાવ્યું નહીં કે હું 498 રન પર રમી રહ્યો છું. હું સ્ટ્રોક રમ્યો અને આઉટ થઈ ગયો પરંતુ મને ખુશી છે કે હું આટલા રન કરવામાં સફળ રહ્યો.
દ્રોણે કહ્યું કે મે સાત વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને મારા પિતાએ મને ખુબ પુશ કર્યો કારણ કે તેમને લાગ્યું કે મારી અંદર એક સારો ક્રિકેટર બનવાની ક્ષમતા છે. તેઓ મને જેપી સર (જયપ્રકાશ પટેલ) પાસે લઈ ગયા જેમણે 40થી વધુ ક્રિકેટરોને કોચિંગ આપ્યું હતું. હું 8માં ધોરણથી 12 માં ધોરણ સુધી ફક્ત પરીક્ષાઓ આપવા માટે સ્કૂલ જતો હતો. મે બસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું અને આશા છે કે એક દિવસ હું નામના મેળવીશ.
દ્રોણ દેસાઈની ઈનિંગને કારણે તેની ટીમે જેએલ ઈંગ્લિશ સ્કૂલ પર એક ઈનિંગ અને 712 રનથી જીત મેળવી. પોતાની ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલો દેસાઈ ગુજરાત અંડર 14 ટીમ માટે રમી ચૂક્યો છે અને હવે તેને રાજ્યની અંડર 19 ટીમમાં જગ્યા મળે તેવી આશા છે. તેનું કહેવું છે કે સચિન તેંડુલકરની બેટિંગ જોયા બાદ તેને આ ખેલમાં ઉતરવાની પ્રેરણા મળી.
અત્રે જણાવવાનું કે દ્રોણ દેસાઈનું નામ શાળા ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર કરનારા ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ યાદીમાં પ્રણવ ધનાવડે (1009*) અને ભારતીય ક્રિકટર પૃથ્વી શો (546) સામેલ છે.