Asian Games: 200 Mમાં દુતી ચંદને સિલ્વર, ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ
18મી એશિયન ગેમ્સનો આજે 11મો દિવસ છે. ભારતના ખાતામાં આજે કુલ બે મેડલ આવ્યા છે.
જકાર્તાઃ ભારતની મહિલા રનર દુતી ચંદને 18મી એશિયન ગેમ્સના 11માં દિવસે 200 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો છે. દુતીએ ફાઇનલમાં 23.30 સેકન્ડનો સમય લેતા બીજું સ્થાન હાસિલ કર્યું છે. આ ગેમ્સમાં દુતીનો આ બીજો સિલ્વર મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
બહરીનની ઇડીડોંગ ઓડિયોંગે 22.96 સેકન્ડમાં રેસ પૂરી કરી અને પ્રથમ સ્થાને રહેતા ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. ચીનની યોંગલી વેઈને બ્રોન્ઝ મેડલ મળ્યો. તેણે 23.27 સેકન્ડનો સમય લેતા આ મેડલ પોતાના નામે કર્યો હતો.
ટેબલ ટેનિસઃ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ
ભારતની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને તેના પુરૂષ જોડીદાર અચંત શરથ કમલે બુધવારે સેમીફાઇનલમાં હારીને બ્રોન્ઝ મેડલ સુધી સીમિત રહી ગયા હતા. મિક્સ ડબલ્સ ટેબલ ટેનિસના સેમીફાઇનલમાં ભારતીય જોડીને ચીનની ચુકિન વાંગ અને સુન યિંગશાની જોડીએ 4-1થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ચીનની જોડીએ પાંચ સેટો સુધી ચાલેલા મુકાબલામાં 11-9, 11-5, 11-13, 11-4, 11-8 જીત મેળવીને ફાઇનલમાં સ્થાન હાસિલ કર્યું હતું.
18મી એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી કુલ 52 મેડલ મળ્યા છે. જેમાં 9 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલની સાથે મેડલ ટેલીમાં 9માં સ્થાન પર છે.