અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ચાલી રહેલી પિંક બોલ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમનો ધબડકો થયો હતો. ઈંગ્લેન્ડના 112 રનના જવાબમાં બીજા દિવસે ભારતે 99 રન પર ત્રણ વિકેટથી પોતાની ઈનિંગ શરૂ કરી હતી. રોહિત અને રહાણેએ ભારતને ઈંગ્લેન્ડના સ્કોરને પાર પહોંચાડી દીધુ હતું. ત્યારબાદ ભારતે એક બાદ એક વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ 145 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગના આધારે 33 રનની લીડ મળી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે દમદાર બોલિંગ કરતા માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય જેક લીચને ચાર વિકેટ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ઈનિંગ
ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. બન્નેએ ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરતા 33 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ જોફ્રા આર્ચરે ગિલ (11)ને કેચઆઉટ કરાવી ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ચેતેશ્વર પૂજારા (0) રન બનાવી જેક લીચની ઓવરમાં LBW આઉટ થયો હતો. 


રોહિત શર્માની અડધી સદી
ભારત તરફથી રોહિત શર્માએ દમદાર બેટિંગ કરી હતી. રોહિતે 63 બોલમાં 8 ચોગ્ગા સાથે પોતાના 50 રન પૂરા કર્યા હતા. રોહિતના ટેસ્ટ કરિયરની આ 12મી અડધી સદી છે. રોહિતે વિરાટ કોહલી સાથે મળી ત્રીજી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 98 રન હતો ત્યારે વિરાટ કોહલી (27)ને જેક લીચે બોલ્ડ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. 


ભારતે બીજા દિવસે 3 વિકેટે 99 રનના સ્કોરથી પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી. રહાણે અને રોહિતે ભારતને ઈંગ્લેન્ડના સ્કોરથી આગળ પહોંચાડી બે રનની લીડ અપાવી હતી. ત્યારબાદ ટીમનો સ્કોર 114 રન હતો ત્યારે રહાણે (7) રન બનાવી જેક લીચનો શિકાર બન્યો હતો. ત્યારપછીની ઓવરમાં લીચે રોહિત શર્મા (66)ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. રોહિતે 96 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. 


જો રૂટનો તરખાટ
ઈંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂટે બીજા સ્પિનરની ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા રિષભ પંત (1)ને વિકેટકીપર બેન ફોકસના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ (1) અને વોશિંગટન સુંદર (0)ને એક ઓવરમાં આઉટ કરી ભારતને બેકફૂટ પર ધકેલી દીધુ હતું. ત્યારબાદ રૂટે અશ્વિન (17)ને આઉટ કરી ચોથી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ રૂટે જસપ્રીત બુમરાહ (1) ને આઉટ કરી રૂપે પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. જો રૂટે 6.2 ઓવરમાં ત્રણ મેડન સાથે માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.