ENG vs PAK: ટી20 ક્રિકેટનું કિંગ બન્યું ઈંગ્લેન્ડ, મેલબોર્નમાં પાકિસ્તાનને હરાવી રચ્યો ઈતિહાસ
T20 WC 2022 Final: સેમ કરન અને આદિલ રાશિદની દમદાર બોલિંગ બાદ બેન સ્ટોક્સની મેચ વિજયી ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ઈતિહાસ રચી દીધો છે. જોસ બટલરની ટીમે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે નવો અધ્યાય લખ્યો છે.
મેલબોર્નઃ મેલબોર્નમાં 80 હજારથી વધુ દર્શકોની હાજરીમાં ઈંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઈસીસી ટી20 વિશ્વકપ-2022ની ફાઇનલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપી ટ્રોફી જીતી લીધી છે. આ સાથે ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ બાદ બીજીવખત આઈસીસી ટી20 વિશ્વકપ જીતનારી ટીમ બની ગઈ છે. એક સમયે મેચ રોમાંચક બની ગઈ હતી, પરંતુ અંતિમ ઓવરોમાં બેન સ્ટોક્સ અને મોઈન અલીની શાનદાર ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવી દીધુ હતું. ફાઇનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે આ સાથે 19 ઓવરમાં 5 વિકેટે 138 રન બનાવી ટ્રોફી જીતી લીધી હતી. પાકિસ્તાનનું 1992નું પુનરાવર્તન કરવાનું સપનું રોળાઈ ગયું છે.
પાવરપ્લેમાં શાહીન અને રઉફ છવાયા
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. સ્ટાર બોલર શાહીન શાહ આફ્રિદીએ પ્રથમ ઓવરમાં એલેક્સ હેલ્સ (1) ને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ચોથી ઓવરમાં હારિસ રઉફે ફિલ સોલ્ટ શ્ર10) ને આઉટ કરી પોતાની ટીમને બીજી સફળતા અપાવી હતી. રઉફે પાવરપ્લેની અંતિમ ઓવરમાં વિસ્ફોટક બેટર જોસ બટલરને આઉટ કરીને પાકિસ્તાનની વાપસી કરાવી હતી. બટલર 17 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 26 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે 45 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.
મિડલ ઓવરમાં પાકિસ્તાનની દમદાર બોલિંગ
પાવરપ્લે બાદ પાકિસ્તાનના બોલરોએ મેચ પર પકડ બનાવી રાખી હતી. શાદાબ ખાન, નસીમ શાહે મિડલ ઓવરમાં દમદાર બોલિંગ કરી ઈંગ્લેન્ડના બેટરોને બાઉન્ડ્રી ફટકારતા રોક્યા હતા. શાદાબે પાકિસ્તાનને ચોથી સફળતા અપાવી હતી. હેરી બ્રુક 23 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો.
સ્ટોક્સ અને મોઈન અલીએ અપાવી જીત
ઈંગ્લેન્ડે 84 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે લાગી રહ્યું હતું કે પાકિસ્તાન મેચમાં વાપસી કરી રહ્યું છે. મોઈન અલીએ સ્ટોક્સ સાથે મળીને પાંચમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. મોઈને 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. પરંતુ બેન સ્ટોક્સે પ્રેશરને હેન્ડલ કરતા મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. બેન સ્ટોક્સે અણનમ અડધી સદી ફટકારી હતી. સ્ટોક્સ 49 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન બનાવી અણનમ રહ્યો હતો.
પાકિસ્તાનનું ટોપ ઓર્ડર ફ્લોપ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ધીમી રહી હતી. મોહમ્મદ રિઝવાન (15) રન બનાવી પાંચમી ઓવરમાં સેમ કરનનો શિકાર બન્યો હતો. પાકિસ્તાને પાવરપ્લેમાં 1 વિકેટે માત્ર 39 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને બીજો ઝટકો આદિલ રાશિદે આપ્યો હતો. યુવા બેટર મોહમ્મદ હારિસ 12 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો.
કેપ્ટન બાબરની ધીમી ઈનિંગ
પાકિસ્તાન માટે ફાઇનલ જેવી મહત્વની મેચમાં કેપ્ટન બાબર આઝમે ધીમી ઈનિંગ રમી હતી. બાબર આઝમ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. બાબરે 28 બોલમાં 2 ચોગ્ગા સાથે માત્ર 32 રન બનાવ્યા હતા. તે આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઇફ્તિખાર અહમદ શૂન્ય રન બનાવી બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો.
શાન મસૂદે બનાવ્યા સૌથી વધુ રન
પાકિસ્તાન માટે શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. મસૂદે 28 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તે સેમ કરનનો શિકાર બન્યો હતો. આ સિવાય શાદાબ ખાને 14 બોલમાં બે ચોગ્ગા સાથે 20 રન બનાવ્યા હતા.
સેમ કરન અને રાશિદની શાનદાર બોલિંગ
ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને દમદાર સ્પેલ ફેંક્યો હતો. કરને 4 ઓવરમાં માત્ર 12 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. તો આદિલ રાશિદે 4 ઓવરમાં 1 મેડન સાથે 22 રન આપી બે વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડને 4 ઓવરમાં 27 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય સ્ટોક્સને એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube