દુબઈઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021 (ICC T20 World Cup 2021) ના સુપર-12ના બીજા મુકાબલામાં ઈંગ્લેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે પરાજય આપી જીત સાથે શરૂઆત કરી છે. મહત્વનું છે કે આ બંને ટીમ વચ્ચે ટી20 વિશ્વકપ 2016ની ફાઇનલમાં ટક્કર થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડિઝ ટીમનો ધબડકો થયો હતો. ઈંગ્લેન્ડના બોલરો સામે વિન્ડિઝના વિસ્ફોટક બેટરોએ શરણાગતિ સ્વિકારી લીધી હતી. ટીમ માત્ર 14.2 ઓવરમાં 55 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે 8.2 ઓવરમાં 56 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપમાં વિન્ડિઝને પ્રથમવાર હરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝે આપેલા 56 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને જેસન રોય (11)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. જેસન રોય રવિ રામપોલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અકિલ હુસૈને જોની બેયરસ્ટો (9)ને આઉટ કરી વિન્ડિઝને બીજી સફળતા અપાવી હતી. મોઇન અલી (3) રનઆઉટ થયો હતો. 


લિયામ લિવિંગ્સોટન 1 રન બનાવી અકિલ હુસેનની ઓવરમાં કોટ એન્ડ બોલ થયો હતો. અકિલ હુસેનનો આ કેચ 'કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ' બની શકે છે. તેણે હવામાં ઉડતી ડાઇવ મારીને આ કેચ લીધો હતો. જોની બેયરસ્ટો 24 અને મોર્ગન 7 રન બનાવી અણનમ રહ્યા હતા. 


આ પણ વાંચોઃ IND vs PAK Live Streaming Details: ભારત-પાક વચ્ચે ટક્કર, જાણો ક્યાં અને ક્યારે જોશો લાઇવ સ્ટ્રીમિંગ અને ટેલીકાસ્ટ


વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ ધરાશાયી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડિઝની શરૂઆત શરમજનક રહી હતી. ટીમે બીજી ઓવરમાં ઇવિન લુઇસ (6)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ક્રિસ વોક્સને આ સફળતા મળી હતી. ત્યારબાદ મોઇન અલીએ લેન્ડલ સિમન્સ (3)ને લિવિંગસ્ટોનના હાથે કેચઆઉટ કરીને ઈંગ્લેન્ડને બીજી સફળતા અપાવી હતી. 


શિમરોન હેટમાયર માત્ર 9 રન બનાવી મોઇન અલીની ઓવરમાં આઉટ થયો હતો. ક્રિસ ગેલ 13 બોલમાં 3 ચોગ્ગા સાથે 13 રન બનાવી ટાયમલ મિલ્સની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. વિન્ડિઝે પાવરપ્લેમાં 4 વિકેટે 31 રન બનાવ્યા હતા. ડ્વેન બ્રાવો 5 રન બનાવી ક્રિસ જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. 


આદિલ રાશિદની દમદાર બોલિંગ
ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રાશિદ સામે વિન્ડિઝના બેટરોનો ધબડકો થયો હતો. રાશિદે આંદ્રે રસેલ (0), કાયરન પોલાર્ડ (6) ઓબેડ મેકાય (3) અને રવિ રામપાલ (3)ને આઉટ કર્યા હતા. રાશિદે 2.2 ઓવરમાં માત્ર 2 રન આપી 4 વિકેટ ઝડપી હતી. 


વેસ્ટ ઈન્ડિઝનો માત્ર એક બેટર્સ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો. ક્રિસ ગેલે ટીમ માટે સૌથી વધુ 13 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટરો ફ્લોપ રહ્યા હતા. ઈંગ્લેન્ડ માટે મોઇન અલી, ટાઇટલ મિલ્સે બે-બે તથા ક્રિસ જોર્ડન અને ક્રિસ વોક્સે એક-એક વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube