બાર્બાડોસઃ ક્રિસ જોર્ડનની હેટ્રિક (કુલ 4 વિકેટ) બાદ જોસ બટલરની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડે સુપર-8ના ત્રીજા મુકાબલામાં અમેરિકાને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઈંગ્લેન્ડ સેમીમાં એન્ટ્રી કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં 115 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 9.4 ઓવરમાં વિના વિકેટે 117 રન બનાવી મેચ જીતી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોસ બટલરની વિસ્ફોટક ઈનિંગ
અમેરિકાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે શરૂઆતી બે ઓવરમાં ધીમી બેટિંગ કર્યા બાદ આક્રમક વલણ અપનાવ્યું હતું. પાવરપ્લેમાં ઈંગ્લેન્ડે વિના વિકેટે 60 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 38 બોલમાં 6 ચોગ્ગા અને 7 સિક્સ સાથે અણનમ 83 રન બનાવ્યા હતા. જ્યારે ફિલ સોલ્ટ 21 બોલમાં 25 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ક્રિસ જોર્ડનની હેટ્રિક
બોલિંગમાં ક્રિસ જોર્ડન હીરો રહ્યો હતો. ક્રિસ જોર્ડને 2.5 ઓવરમાં 10 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડને હેટ્રિક લીધી હતી. તે ટી20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે. ક્રિસ જોર્ડને ઈનિંગની 19મી ઓવરમાં પાંચ બોલમાં ચાર વિકેટ લીધી હતી. આ સિવાય આદિલ રાશિદ અને સેમ કરનને બે-બે વિકેટ મળી હતી. 


અમેરિકાની ઈનિંગની વાત કરવામાં આવે તો અમેરિકા તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોરી એન્ડરસને 29 રનનું યોગદાન આપ્યું હતું. હરમીત સિંહે 21 રન બનાવ્યા હતા. સ્ટીવન ટેલરે 12, એન્ડ્રિસ ગૌસે 8, આરોન જોન્સે 10, મિલિંદ કુમાર 4 રન બનાવી આઉટ થયા હતા.