વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયા બહાર, યજમાન પહોંચ્યું ફાઇનલમાં
આઈસીસી વિશ્વકપની બીજી સેમિફાઇનલમાં બોલરોના દમદબાભેર દેખાવ બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની મદદથી યજમાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
બર્મિંઘમ: આઈસીસી વિશ્વકપ-2019ની બીજી સેમિફાઇનલ મેચમાં ટાઇટલની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે 14 જુલાઈએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ જંગ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 2 વિકેટે 226 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ 1992 બાદ આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર હરાવવામાં સફળ રહ્યું છે. તો ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. તો ટૂર્નામેન્ટમાંથી ટેબલ ટોપ બે ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયા છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ, બંન્ને ઓપનર આઉટ
ઓસ્ટ્રેલિયાને બીજી ઓવરના પ્રથમ બોલ પર ઝટકો લાગ્યો હતો. જોફ્રા આર્ચરની ઓવરમાં એરોન ફિન્ચ (0) રન બનાવી LBW આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (9)ને સ્લિપમાં બેયરસ્ટોના હાથે કેચઆઉટ કરાવીને કાંગારૂ ટીમને બીજો ઝટકો આપ્યો હતો. પીટર હૈંડ્સકોમ્બ (4)ને ક્રિસ વોક્સે બોલ્ડ કર્યો હતો.
સ્મિથ-એલેક્સ કેરી વચ્ચે 103 રનની ભાગીદારી
ઓસ્ટ્રેલિયાએ 14 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ ચોથી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 117 રન હતો ત્યારે એલેક્સ કેરી (46) રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. સિક્સ ફટકારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર કેચાઉટ થયો હતો. આજ ઓવરમાં રાશિદે માર્કસ સ્ટોઇનિસ (0)ને LBW આઉટ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
સ્ટીવ સ્મિથના લડાયક 85 રન
સ્ટિવ સ્મિથે ફરી વિશ્વકપ નોકઆઉટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સ્મિથે 119 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા સાથે 85 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થયો હતો. મહત્વનું છે કે, વિશ્વ કપ નોકઆઉટ મેચમાં આ સ્મિથની સતત ચોથી અડધી સદી છે. 2015ના વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલમાં તેણે અડધી સદી ફટકારી હતી. તો સેમિફાઇનલમાં ભારત સામે સદી અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી હતી.
સ્ટોઇનિસ-મેક્સવેલ ફરી ફેલ
વિશ્વકપમાં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. તે આજે પણ ટીમને જરૂર હતી ત્યારે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. મેક્સવેલ (22) રન બનાવી જોફ્રાનો શિકાર બન્યો હતો. પેટ કમિન્સ (6)ને રાશિદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મિશેલ સ્ટાર્કે છેલ્લે શાનદાર બેટિંગ કરતા 29 રન બનાવ્યા અને અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, પીટર હૈંડ્સકોમ્બ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જેસન બેહરેનડોર્ફ, નાથન લાયન.
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ.