નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુક માટે નવું વર્ષ મોટું સન્માન લઈને આવશે. નવા વર્ષમાં તેમનું નાઇટહુડ ખિતાબથી સન્માન કરવામાં આવશે. ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર આ બેટ્સમેને આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. 2007મા ઇયાન બોથમ બાદ આ સન્માન મેળવનાર કુક પ્રથમ ઈંગ્લિશ ક્રિકેટર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુકે પોતાના ટેસ્ટ કરિયરમાં 12472 રન બનાવ્યા જે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ છે. તેણે ઈંગ્લેન્ડ માટે રમેલી અંતિમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ રમાયેલી તે મેચમાં તેણે પોતાના કરિયરની 33મી સદી ફટકારી હતી. તે પણ સંયોગ છે કે કુકે કરિયરની પ્રથમ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. તે મેચ પણ ભારત વિરુદ્ધ હતી. નાગપુરમાં રમાયેલી આ મેચમાં કુકે 104 રનની ઈનિંગ રમી હતી. 


તે 2012થી 2017 વચ્ચે ઈંગ્લેન્ડ ટીમનો કેપ્ટન પણ હતો. આ વચ્ચે તેણે બે વખત ટીમને એસિઝમાં વિજય અપાવ્યો હતો. આ સિવાય સાઉથ આફ્રિકામાં પણ સિરીઝ જીતી હતી. કુકે 161 ટેસ્ટ મેચ રમી જે ઈંગ્લેન્ડનો એક રેકોર્ડ છે. તેના નામે સતત 159 ટેસ્ટ મેચ રમવાનો પણ રેકોર્ડ નોંધાયેલો છે. 


કુકે ક્રિસમસ પર પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેને ક્રિકેટમાં પોતાની સેવાઓ માટે નાઇટહુડથી સન્માનિત કરવામાં આવી રહ્યો છે. આ ખિતાબ મેળવનાર તે ઈંગ્લેન્ડનો 10મો ખેલાડી છે. આ પહેલા કોઈપણ સક્રિય ખેલાડીને આ ઉપાધિ 1990મા આપવામાં આવી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર સર રિચર્ડ હૈડલીને આ સન્માન આપવામાં આવ્યું હતું. કુક હજુ પણ પોતાની કાઉન્ટી એસેક્સ માટે ક્રિકેટ રમે છે. 


મેલબોર્નમાં ભારતનો ઐતિહાસિક વિજય


કુકે 59 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની આગેવાની કરી હતી. તેણે 2013 અને 2015મા ઘરઆંગણે એશિઝ સિરીઝ જીતી હતી. ભારત વિરુદ્ધ 2012/13ની સિરીઝ જીતમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. 


આ ઇંગ્લિશ ક્રિકેટરોને મળ્યું છે નાઇટહુડ સન્માન
ફ્રાંસિસ લેસી, પેલ્હમ વોર્નર, જૈક હોબ્સ, હેનરી લેવસન ગાવર, લેન હેટન, ગૈબી એલન, કોલિન ક્રોડી, એલેક બેડસર, ઇયાન બોથમ અને એલિસ્ટર કુક.