નોટિંઘમઃ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતે બીજી ઈનિંગ્સમાં 292 રનની લીડ મેળવી લીધી છે. આ અગાઉ ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં માત્ર 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને ઈશાંત શર્માએ 2-2 અને શમીએ 1 વિકેટ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ પ્રથમ ઈનિંગ્સમાં ભારતીય ટીમે બીજા દિવસે 6 વિકેટે 307ના સ્કોરથી આગળ રમવાનું શરૂ થયું હતું. જોકે, ભારતીય બેટ્સમેન બીજા દિવસે વધુ રન ઉમેરી શક્યા ન હતા અને ટીમ ઈન્ડિયા 329 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિષભ પંત 51 બોલમાં 24 રન કરી બ્રોર્ડના બોલ પર આઉટ થતા ભારતની સાતમી વિકેટ પડી હતી. ત્યાર બાદ બ્રોર્ડના જ બોલ પર અશ્વિન 17 બોલમાં 14 રન કરીને આઉટ થયો હતો, શમી માત્ર 3 જ્યારે બુમરાહ શૂન્ય પર આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસન, બ્રોડ અને વોક્સે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે આદિલ રશિદે 1 વિકેટ ઝડપી હતી. 


ઈંગ્લેન્ડ 161માં ઓલઆઉટ 
પ્રથમ ઈનિંગ્સમાં ભારત દ્વારા આપવામાં આવેલા 329ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ઘુંટણીયે પડી ગઈ હતી. પ્રથમ બે ટેસ્ટમાં ભારતને પરાજયનો સ્વાદ ચખાડનારા ઈંગ્લેન્ડના બેટ્સમેન ત્રીજી ટેસ્ટમાં ભારતીય બોલરોનો સામનો કરવામાં થાપ ખાઈ ગયા હતા. ઈંગ્લેન્ડ તરફથી એક માત્ર જોસ બટલરે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલા એલિસ્ટર કૂકે 29 અને જેનિંગ્સે 20 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન 20થી વધુનો સ્કોર બનાવી શક્યા ન હતા. ઈંગ્લેન્ડની સમગ્ર ટીમ 38.2 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ભારતને 168 રનની લીડ મળી હતી. 


હાર્દિકનો રેકોર્ડઃ 29 બોલમાં 28 રન આપી ઝડપી 5 વિકેટ 



હાર્દિકે રવિવારે એ કમાલ દેખાડી છે, જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય બોલર કરી શક્યો નથી. હાર્દિકે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટ લીધી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તેણે માત્ર 6 ઓવર જ નાખી હતી અને માત્ર 28 રન જ આપ્યા હતા. તે આ મેદાન પર સૌથી ઓછા રન આપીને 5 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. જોકે, આ મેદાન પર તેના પહેલાં ભુવનેશ્વર અને ઝહીર ખાને પણ 5 વિકેટ લધી છે, પરંતુ તેમણે હાર્દિક કરતાં વધુ રન આપ્યા હતા. 


બીજા દિવસની રમતને અંતે ભારતની 292 રનની લીડ
168ની લીડ સાથે રમવા ઉતરેલી ભારતીય ટીમે બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડ પર 292 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ઓપનિંગમાં આવેલા શિખર ધવન અને લોકેશ રાહુલ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 60 રન ઉમેર્યા હતા. રાહુલ 36 રનના અંગત સ્કોરે સ્ટોક્સનો શિકાર બન્યો હતો. શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાએ ત્યાર બાદ બીજી વિકેટ માટે 51 રન ઉમેર્યા હતા. શિખર ધવન 44ના સ્કોર પર આદિલ રશિદનો શિકાર બન્યો હતો. બીજા દિવસની રમતના અંતે ચેતેશ્વર પૂજારા 33 અને વિરાટ કોહલી 8 રને બેટિંગમાં હતા. 


ઈંગ્લેન્ડના માથે હારનું સંકટ 
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના માથે હારનું સંકટ તોળાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 161 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 5 ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2-0થી આગળ છે.