1000 ટેસ્ટ રમનારો પ્રથમ દેશ બનશે ઈંગ્લેન્ડ, જાણો કઇ ટીમે રમી કેટલી મેચ
ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી 522 ટેસ્ટ મેચ રમી છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ટીમ ભારત વિરુદ્ધ એક ઓગસ્ટથી એઝબેસ્ટનમાં શરૂ થનાર પ્રથમ ટેસ્ટમાં એક વિશિષ્ટ સિદ્ધિ મેળવશે. તે 1000 ટેસ્ટ મેચ રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની જશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ 1877માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ સૌથી પહેલા પોતાની 1000મી ટેસ્ટ રમવાનું ગૌરવ ઈંગ્લેન્ડની ટીમને મળશે.
ઈંગ્લેન્ડે અત્યાર સુધી 999 ટેસ્ટ મેચ રમ્યા છે અને ભારત વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણીનો પ્રથમ મેચ આ રીતે ટેસ્ટ ક્રિકેટ માટે ઐતિહાસિક બની જશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 812 ટેસ્ટ મેચ રમી છે અને તે ઈંગ્લેન્ડ બાદ બીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ જીત
ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 383 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડ 357 મેચ જીતીને બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો 297 મેચોમાં પરાજય થયો જ્યારે તેણે 345 મેચ ડ્રો રમી છે. સર્વાધિક ટેસ્ટ રમનાર દેશોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ વેસ્ટઇન્ડિઝ (535) અને ભારત (522)નો નંબર આવે છે.
અત્યાર સુધી યોજાયા કુલ 2313 ટેસ્ટ
ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (427), ન્યૂઝીલેન્ડ (426), પાકિસ્તાન (415), શ્રીલંકા (274), બાંગ્લાદેશ (108), ઝિમ્બાબ્વે (105) અને આઈસીસી વર્લ્ડ ઈલેવન, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ (ત્રણેય એક-એક)નો નંબર આવે છે. અત્યાર સુધી કુલ 2313 ટેસ્ટ મેચ રમાઇ છે.