વર્લ્ડ કપ 2019: મોર્ગને માત્ર છગ્ગા ફટકારીને પૂરી કરી સદી, બનાવ્યો વિશ્વ રેકોર્ડ
કેપ્ટન ઇયોન મોર્ગનની ધમાકેદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન વિરુદ્ધ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 397 રન ફટકાર્યા છે.
માનચેસ્ટરઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ વિશ્વ કપ 2019ની 24મી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનનું તોફાન જોવા મળ્યું હતું. ઇયોન મોર્ગને પહેલા વિશ્વ કપ 2019ની સૌથી ઝડપી સદી ફટકારી હતી. પછી વિશ્વ કપની એક મેચની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની સાથે-સાથે વનડે ક્રિકેટના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા હતા.
હકીકતમાં આ મુકાબલામાં મોર્ગને માત્ર છગ્ગાથી પોતાની સદી પૂરી કરી હતી. મોર્ગને આ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 17 છગ્ગા ફટકાર્યા. તેવામાં કહી શકીએ કે મોર્ગને માત્ર છગ્ગા ફટકારીને 100 રન બનાવી લીધા છે. માત્ર સિક્સની વાત કરીએ તો ઇયોન મોર્ગને આ ઈનિંગમાં 102 રન છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ છે.
વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન
બેટ્સમેન | સિક્સ | કોની વિરુદ્ધ | વર્ષ |
ઇયોન મોર્ગન | 17 | અફઘાનિસ્તાન | 2019 |
રોહિત શર્મા | 16 | ઓસ્ટ્રેલિયા | 2013 |
એબી ડિવિલિયર્સ | 16 | વેસ્ટ ઈન્ડિઝ | 2015 |
ક્રિસ ગેલ | 16 | ઝિમ્બાબ્વે | 2015 |
શેન વોટસન | 15 | બાંગ્લાદેશ | 2011 |
વનડે ક્રિકેટમાં માત્ર ત્રણ ખેલાડી છે, જેણે અત્યાર સુધી ઈનિંગમાં 16 સિક્સ ફટકારી છે. તેમાં ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા, વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ અને આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સનું નામ છે. આ ત્રણ ખેલાડીઓએ એક ઈનિંગમાં છગ્ગાથી 96-96 રન બનાવ્યા હતા, જેનો રેકોર્ડ હવે મોર્ગને તોડી દીધો છે.
ઇયોન મોર્ગને આ મેચમાં માત્ર 57 બોલમાં સદી ફટકારી, જે વિશ્વકપ 2019ની સૌથી ઝડપી સદી છે અને વિશ્વ કપ ઈતિહાસની ચોથી ઝડપી સદી છે. આ સિવાય મોર્ગન વિશ્વકપમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. મોર્ગને આ ઈનિંગમાં 71 બોલ પર 4 ચોગ્ગા અને 17 છગ્ગાની મદદથી 148 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 208.45ની રહી હતી.
વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારના બેટ્સમેન
બોલ | બેટ્સમેન | કોની વિરુદ્ધ | વર્ષ |
50 | કેવિન ઓ બ્રાયન | ઈંગ્લેન્ડ | 2011 |
51 | ગ્લેન મેક્સવેલ | શ્રીલંકા | 2015 |
52 | એબી ડિવિલિયર્સ | વેસ્ટ ઈન્ડિઝ | 2015 |
57 | ઇયોન મોર્ગન | અફઘાનિસ્તાન | 2019 |
66 | મેથ્યૂ હેડન | દક્ષિણ આફ્રિકા | 2007 |