નવી દિલ્હીઃ જો તમે દિલ્હીની કોઈ ગલીમાં ફરવા નિકળો અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનારો વ્યક્તિ તમને ચા વેચતો જોવા મળે તો...? તમે જે કંઈ વિચારી રહ્યો હો, પરંતુ આ એક હકીકત છે. 23 વર્ષના હરીશ કુમારની કંઈક આ જ વાસ્તવિક્તા છે. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતીને શુક્રવારે જ સ્વદેશ પાછો ફર્યો છે. થોડા કલાક સ્વાગત અને ઉજવણીમાં પસાર કર્યા. ત્યાર બાદ સાંજે તે પોતાની ચાની દુકાન પર પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 વર્ષનો હરીશ એ સેપકટેરો ટીમનો સભ્ય છે, જેણે ઈન્ડોનેશિયાની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટીમ શુક્રવારે જ સ્વદેશ પાછી ફરી છે. જેવું કે હંમેશાં થાય છે, સ્વાગત માટે એરપોર્ટ પર અધિકારીઓ પહોંચ્યા ન હતા, પરંતુ પડોશી લોકો પોતાનાં સ્ટારને કેવી રીતે ભુલી જાય. એટલે તેઓ ભાડાની બસ લઈને એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. બન્યું એવું કે, આ બસ ઉપડતા સમયે ખરાબ થઈ ગઈ તો આખી સેપકટેકરો ટીમે ધક્કા મારીને બસને ચાલુ કરવી પડી હતી. 


ઘરે પહોંચ્યા તો ત્યાં પણ કેટલાક કલાક સુધી ઉજવણી ચાલી. સાંજ પડતાં જ બધું ભુલાઈ ગયું. હરીશ રોજની જેમ પોતાની એ ચાની દુકાને પહોંચી ગયો, જેના દ્વારા તેના ઘરનું ગુજરાન ચાલે છે. તે વર્ષોથી આ દુકાન પર બેસતો આવ્યો છે. એ નાનકડી વયથી, જ્યારે આપણે અનેક ચાવાળાને કહેતા આવ્યા છીએ કે, 'એ છોટુ, ચા લાવજે.' જોકે, આ 'છોટુ'ની મંઝિલ કંઈક અલગ હતી. તે તો દેશનું નામ રોશન કરવા માગતો હતો. જે ઘરમાં બે ટંકના ભોજનનું સંકટ હોય, તેને ત્યાંથી નિકળીને એક તારાની જેમ ચમકવાનું હતું. 


આ રમતમાં તે કેવી રીતે પહોંચ્યો? હરીશે જવાબમાં જણાવ્યું કે, 'બસ, એમ જ, રમતા-રમતા.' બાળપણમાં મિત્રો સાથે ટાયરને કાતરથી કાપીને રમતો હતો. આ રમતમાં પગને વધુ ને વધુ ઊંચે લઈ જવા પડતા હતા. એક દિવસ અમારા પર કોચ હેમરાજની નજર પડી. તેમણે અમને બોલાવ્યા અને સેપકટેકરો રમવા જણાવ્યું. બસ, પછી તો આગળ વધતા ગયા. હું સારું રમતો હતો, પરંતુ સામે અનેક મુશ્કેલીઓ હતી. 



મારા પિતા ચાની દુકાન ચલાવે છે. પરિવાર મોટો અને કમાણી નાની છે. આવી સ્થિતિમાં જો છોકરો રમવામાં સમય બગાડે તો મુશ્કેલી તો પડવાની જ છે. એક દિવસ પિતાજીએ કહી દીધું કે, હવે રમવાનું બંધ કરીને ધંધામાં ધ્યાન આપ. દુકાનમાં સાથ આપીશ તો કમાણી વધશે અને બે ટંકનું ભોજન મળશે. કોચને એમ લાગતું હતું કે હું મોટો ખેલાડી બની શકું છું. ઘરની સ્થિતિ કંઈક જુદી જ હતી. હરીશની બંને બહેનો દૃષ્ટિહિન છે.


ભાઈએ આશ્વાસન આપ્યું, કોચે ભાડું આપ્યું 
હરીશની આ મુશ્કેલીનો માર્ગ કોચ હેમરાજ અને મોટાભાઈ નવીને કાઢ્યો. નવીન એ સમયે પોતે પણ સેપકટેકરો રમતો હતો. તેણે પરિવારને સમજાવ્યો. હવે બંને ભાઈ ચાની દુકાન પર સાથ આપતા હતા. કોચ હેમરાજે હરીશને સ્ટેડિયમ સુધી આવવા-જવાનું ભાડું આપવાનું શરૂ કર્યું. રમત આગળ વધી. 


જે ઘરમાં પહેલા ભોજનની ચિંતા હોય ત્યાં ભણવાની સુવિધાની તો વાત જ ક્યાંથી આવે. આ જ વાસ્તવિક્તા પણ હતી. હરીશ પહેલા સ્ટેટ અને પછી નેશનલ લેવલ પર રમવા લાગ્યો. આ દરમિયાન તેનો અભ્યાસ અધુરો રહી ગયો. તે હજુ પણ અભ્યાસમાં આગળ વધવા માગે છે. તે 23 વર્ષની વયે ઓપન સ્કૂલમાંથી અત્યારે ધોરણ-12નો અભ્યાસ કરી રહ્યો છે. 


સવારે ચાની દુકાન, સાંજે પ્રેક્ટિસ 
હરીશે જણાવ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી તેનું રૂટીન ફિક્સ છે. તે સવારે ભાઈની સાથે કે પછી એકલો ચાની દુકાન ચલાવે છે.  બપોરે 2થી સાંજે 6 કલાક સુધી સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરે છે. સવારે જ્યારે હરીશ ચાની દુકાન પર હોય છે ત્યારે તેના પિતા ભાડાની રીક્ષા ચલાવે છે, જેથી થોડી વધુ કમાણી કરી શકાય. 


હવે મેડલ પછી શું?
હરીશે જણાવ્યું કે, મેડલ જીતવાની ખુશી અને માહોલ માટે શબ્દો ઓછા પડી રહ્યા છે. અભિનંદનોની વર્ષા થઈ રહી છે. હવે આગળ શું થશે? શું સરકાર તરફથી નોકરીની ઓફર છે? કે કોઈ અન્ય રીતે મદદનો પ્રસ્તાવ છે? હરીશે જણાવ્યું કે, 'અત્યારે તો કશી જ ખબર નથી. પહેલા ધોરણ-12નો અભ્યાસ પુરો થઈ જાય. પછી કંઈ વિચારીશું.' હરીશની ટીમમાં 12 ખેલાડી હતા. ટીમના 10 ખેલાડી સીમા સુરક્ષા બલ (એસએસબી)માં કામ કરે છે, જ્યારે એક ફિઝિકલ ટ્રેનર છે. 


અને અંતમાં...
સેપક ટેકરો, મલય અને થાઈ ભાષાના બે શબ્દ છે. સેપક, મલયનો શબ્દ છે, જેનો અર્થ થાય છે કીક મારવી. ટેકરોનો અર્થ થાય છે વજનમાં હલકો બોલ. આ રમતમાં બોલને વોલીબોલની જેમ નેટની બીજી તરફ પહોંચાડવાનો હોય છે, પરંતુ તેના માટે ખેલાડી માત્ર પગ, ઘુંટણ, છાતી કે માથાનો જ ઉપયોગ કરી શકે છે, હાથ વડે બોલને સ્પર્શ કરી શકાતો નથી.