ધવલ ગોકાણી/અમદાવાદઃ શુક્રવારથી અમદાવાદમાં પ્રો-કબડ્ડી સિઝન-6ની મેચોનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ પોતાના ઘરઆંગણે મેચ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાતની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ સતત છ મેચ જીતીને પોતાના ઘરમાં રમવા માટે પહોંચી છે. ત્યારે ટીમના આ સારા પ્રદર્શન માટે ટીમના કોચ મનપ્રીત સિંઘનું બહુ મોટું યોદગાન છે. ઝી ન્યૂઝની ટીમે ગુજરાત ફોર્ચ્યુન જાયન્સ ટીમના કોચ મનપ્રીત સિંઘ સાથે ખાસ મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે એક ખેલાડી તરીકે પ્રો-કબડ્ડીમાં રમ્યા અને હવે કોચ છો કેવો અનુભવ રહ્યો.. 
આ અંગે વાત કરતા મનપ્રીત સિંઘે જમાવ્યું કે, હું પ્રો-કબડ્ડીની ત્રીજી સિઝનમાં પટના પાયરસ્ટ તરફથી રમ્યો હતો. ત્યારે અમારી ટીમ વિજેતા બની હતી. જ્યારે એક ખેલાડી તરીકે તમે કોર્ટમાં ઉતરો તો પોતાના વ્યક્તિગત પ્રદર્શન પર ખાસ ધ્યાન આપો છો. કારણ કે, તમારે સારૂ પ્રદર્શન કરીને તમારૂ નામ સ્ટાર ખેલાડીઓની યાદીમાં જોડવાનું હોય છે. જ્યારે એક કોચ તરીકે તમારે આખી ટીમને સાથે લઈને ચાલવાનું હોય છે. ક્યા ખેલાડીમાં કેટલી ક્ષમતા છે, તે ટીમને ક્યા સમયે મદદરૂપ થઈ શકે છે. આ તમામ વસ્તુ તમારે એક કોચ તરીકે ધ્યાનમાં રાખવાની હોય છે. 


ગુજરાતની ટીમ સતત સારૂ પ્રદર્શન કરી રહી છે, શું કારણ? 
જીહા અમે ગત સિઝનમાં પ્રથમવાર પ્રો-કબડ્ડી લીગમાં રમ્યા અને ફાઇનલ સુધીની સફર કરી હતી. આ વખતે અમારી નજર ટ્રોફી પર છે. અમારી ટીમમાં અનેક યુવા ખેલાડીઓ છે. જે જૂનિયર લેવલે સારૂ પ્રદર્શન કરી ચુક્યા છે. આ ખેલાડીઓ કોર્ટ પર અને કોર્ટ બહાર સખત મહેનત કરી રહ્યાં છે. અમે લીગ શરૂ થયાના ત્રણ મહિના પહેલા કેમ્પ લગાવ્યો હતો. કેમ્પમાં ખેલાડીઓની ફિટનેસ પર સતત ધ્યાન આપવામાં આવે છે. આ સાથે પ્રેક્ટિસ, અન્ય ગેમ્સ રમવી, તથા ખેલાડીઓ સાથે ફરવા જવું, ફિલ્મ જોવી આ તમામ બાબતો કરવાથી ખેલાડીઓ પર દબાવ આવતો નથી. જેથી તેઓ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારી ટીમમાં કુલ 20 ખેલાડીઓ છે. જે તમામ ખેલાડીઓ મેચ રમવા માટે તૈયાર છે. બધા જ ફીટ છે અને ટીમને જરૂર પડ્યે ત્યારે કામ આવી શકે છે. સૌથી મહત્વની વાત અમારી ટીમ કોઈ એક-બે ખેલાડીઓ પર નિર્ભર નથી. દરેક ખેલાડીની પોતાનીજ જવાબદારી હોય છે. 


ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસના કેપ્ટનની જવાબદારી યુવા ખેલાડીને આપવા પાછળ શું કારણ
સચિન કુમાર યુવા ખેલાડી છે. તે જૂનિયર કબડ્ડીમાં સ્ટાર ખેલાડી હતો. તેણે બે ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. તે ભારતનું ભવિષ્ય છે. તેનામાં સ્કીલ અને ટેલેન્ટ બધું છે, જેથી અમે તેને કેપ્ટનની જવાબદારી સોંપી છે. આમ તો ટીમના બધા ખેલાડીઓ કેપ્ટન બનવા લાયક છે. 


Pro Kabaddi: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમાર સાથે Exclusive મુલાકાત


મનપ્રીત સિંઘ યુવા ખેલાડીઓને વધુ તક આપે છે કેમ? 
તેમણે આ અંગે કહ્યું કે, મારૂ કામ હિરો બનાવવાનું છે. યુવા ખેલાડીઓ તે ભારતનું ભવિષ્ય છે. મને યુવા ખેલાડીઓ સાથે કામ કરવાની વધુ મજા આવે છે. જ્યારે 30 વર્ષ ઉપરના ખેલાડીઓ હોય તો તે અનુભવી હોય છે, પણ સાથે સાથે તેની ફિટનેસની પણ સમસ્યા રહેતી હોય છે. જ્યારે યુવા ખેલાડીઓ ફિટ હોય છે ઉપરાંત તેનામાં સ્ટાર બનવાની ભૂખ હોય છે. 


ગુજરાતની ટીમ છે પરંતુ તેમાં એકપણ ખેલાડી ગુજરાતનો નથી, આ વિશે જણાવો? 
આ અંગે મનપ્રીત સિંઘે જણાવ્યું કે, ભલે આ ખેલાડીઓએ જન્મ ગુજરાતમાં લીધો નથી, પરંતુ ગુજરાતનું ઘી-માખણ ખાયને આ ખેલાડીઓ મોટા થયા છે. ગાંધીનગર ખાતે આવેલું સાંઈ કબડ્ડીનું મક્કા છે. ત્યાંથી દર વર્ષે 10-15 ખેલાડીઓ પ્રો કબડ્ડીમાં આવે છે. ત્યાં સારા કોચ અને સારી સુવિધા છે. અમારી ટીમમાં પણ 10 ખેલાડીઓ સાંઈમાંથી છે. આમ ભલે આ ખેલાડીઓ બીજા રાજ્યના હોય પરંતુ તે ગુજરાત સાથે જોડાયેલા છે. 


ગત વર્ષે હોમ લીગમાં તમામ મેચ જીતી, આ વર્ષે કોઈ દબાણ? 
ગુજરાતની ટીમ એકમાત્ર એવી ટીમ છે, જે ઘરઆંગણે એકપણ મેચ હારી નથી. ગયા વર્ષે અમારો એક મેચ ટાઈ રહ્યો હતો. પરંતુ આ વખતે અમે તે પ્રદર્શનને જાળવી રાખવા માટે તૈયાર છીએ. કોઈ ખેલાડી પર દબાવ નથી. કબડ્ડીમાં એક ટીમની જીત તો બીજાની હાર થતી હોય છે. આ ગેમનો ભાગ છે. તેથી અમારા ખેલાડીઓ દબાવ લીધા વગર જ મેદાને ઉતરે છે. 


પ્રો-કબડ્ડી આવ્યા બાદ આ રમત માટે શું ફાયદો થયો?
આ અંગે મનપ્રીત સિંઘે જણાવ્યું કે, હું જ્યારે કબડ્ડી રમતો ત્યારે અમે ટ્રેનમાં સફર રહી છે. સામાન્ય હોટલ કે ગેસ્ટહાઉસમાં રહ્યાં છીએ. ફ્લાઇટમાં મુસાફરી કરવાનું તો ક્યારે વિચાર્યું પણ ન હતું. અમને સાવ સામાન્ય સુવિધા મળતી હતી. લોકો ઓખળતા પણ ન હતા. જ્યારે આજે પ્રો-કબડ્ડી આવ્યા બાદ એક પ્રોફેશનાલિઝમ આવ્યું છે. આજે ખેલાડીઓને સારામાં સારી સુવિધા મળે છે. ફ્લાઇટમાં મુસાફરી કરવામાં મળે છે. ફાઇવ સ્ટાર હોટેલમાં ખેલાડીઓ રહે છે. કોચિંગ અને ફિટનેસ માટે અનેક આધુનિક સુવિધા મળે છે. પ્રો કબડ્ડી શરૂ થયા બાદ ખેલાડીઓને સારા પૈસા મળવા લાગ્યાં છે. ખેલાડીઓ આજે સ્ટાર બન્યા છે. લાઇવ પ્રસારણ થતું હોવાથી લોકો ટીવી પર કબડ્ડી જોવા લાગ્યા છે. તેનો પ્રચાર-પ્રચાર વધ્યો છે. આવનારા સમયમાં વધુ ખેલાડીઓ આ રમત સાથે જોડાશે અને પોતાનું કરિયર બનાવશે. 


Pro Kabaddi: 16 નવે.થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ, અમદાવાદમાં કુલ 11 મેચ રમાશે


ગુજરાતમાં કબડ્ડીનું શું ભવિષ્ય તમારા મતે.. 
આવનારા સમયમાં ગુજરાતમાંથી આવતા ખેલાડીઓ પ્રો-કબડ્ડીમાં રમતા જોવા મળશે. અમે અનેક મોટા શહેરમાં કબડ્ડી ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં ઘણી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ દરમિયાન ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ જોવા મળ્યા. ગાંધીનગરમાં આવેલા સાંઈ ખાતે પણ ખેલાડીઓને કબડ્ડી માટે સારી તાલિમ મળે છે. ત્યાં આધુનિક સુવિધા છે. જે આવનારા દિવસોમાં ગુજરાતના ખેલાડીઓ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડશે.