ધવલ ગોકાણી/અમદાવાદઃ પ્રો કબડ્ડી લીગ સિઝન-6માં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ શાનદાર પ્રદર્શન કરી રહી છે.  અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ગુજરાતની ટીમે 6 મેચમાં વિજય મેળવ્યો છે. હવે આગામી 16 નવેમ્બરથી  ગુજરાતની ટીમ પોતાના ઘર (અમદાવાદ)માં રમવા માટે તૈયાર છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ટીમ યુવા સુકાની  સુનિલ કુમારના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તે ટીમમાં ડિફેન્ડર (રાઇટ કવર)ની જવાબદારી સંભાળી રહ્યો  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનિલ કુમાર ત્રીજી વખત પ્રો-કબડ્ડીમાં રમી રહ્યો છે. તેની ગુજરાત સાથે આ બીજી સિઝન છે. માત્ર 21 વર્ષની વયે  તેને કેપ્ટનશિપની જવાબદારી આપવામાં આવી હતી. હરિયાના સોનિપત જિલ્લામાં રહેતા સુનિલ કુમારે અન્યાર સુથી  જૂનિયર ચેમ્પિયનશિપ કબડ્ડીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે તેની સાથે ખાસ વાતચીત કરી  હતી. 


આ સિઝનમાં સુનિલ કુમારે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 8 મેચમાં 25 રેડ પોઈન્ટ મેળવ્યા છે. 


Q શું કેપ્ટનશિપનું કોઈ દબાણ રહે છે?
આ અંગે સુનિલ કુમારે જણાવ્યું કે, કેપ્ટન બન્યા બાદ કોઈપણ પ્રકારનું દબાણ નથી. ટીમના કોચ અને સાથી  ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. જેથી હું પ્રથમવાર કેપ્ટનશિપ કરી રહ્યો છું પરંતુ સાથી ખેલાડીઓના સાથને  કારણે કોઈપણ પ્રકારનું દબાણ રહેતું નથી. ટીમમાં દરેક ખેલાડીઓ કેપ્ટન બનવા માટે યોગ્ય છે. 


Q ગુજરાતની ટીમનું ડિફેન્સ મજબૂત છે, શું કારણ?
અમારી ટીમમાં ઘણા સારા ડિફેન્ડરો છે. પરવેશ ભયન્સવાલ, અમિત શર્મા, ઋુતુરાજ કોરાવી, સચિન વિટ્ટાલા જેવા  સારા ડિફેન્ડરો અમારી ટીમમાં છે. જેથી ગયા વર્ષે અમારા રાઇડ અને લેફ્ટ કોર્નર હતા તેની ટીમને ખોટ પડી નથી. 


Q ગત વખતે ગુજરાત ફાઇનલમાં હાર્યું તો આ વખતે પ્રદીપ નરવાલ માટે શું તૈયારી કરી છે? 
પ્રદીપ નરવાલ (પટના પારયટ્સ) એક શાનદાર ખેલાડી છે. પ્રો-કબડ્ડીમાં તેની પાસે સૌથી વધારે રેડ પોઈન્ટ છે. હજુ  સુધી અમે પટના સામે એકપણ મેચ રમ્યા નથી. પરંતુ જ્યારે મેચ આવશે, ત્યારે કોચ સાથે બેસીને તેની માટે  રણનીતિ તૈયાર કરવામાં આવતી હોય છે. મેચ પહેલા તમામ ટીમ અને તેના કોચ વિશે તૈયારીઓ કરવામાં આવે છે. 


Q ઘરઆંગણે ગયા વર્ષ જેવું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે?
આ અંગે સુનિલે કહ્યું કે, અમારી ટીમમાં કોઈ ખેલાડી દબાણમાં રહેતો નથી. ટીમ મેનેજમેન્ટ અને કોચ અમને અમારી  રમત રમવા માટે કહે છે. અમે કોઈપણ ટીમ સાથે મેચ હોય ત્યારે અમારી નેચરલ ગેમ રમીએ છીએ. હા, ચોક્કસ  ગયા વર્ષે અમે ગુજરાતમાં તમામ મેચ જીત્યા હતા. જેથી આ વખતે પણ દર્શકોને અમારી પાસે સારા પ્રદર્શનની  આશા છે. તેણે કહ્યું કે, અમારી ટીમ આ વખતે અમદાવાદમાં રમાનારી તમામ મેચ જીતવા માટે તૈયાર છે. 


Q કોચ મનપ્રીત સિંઘ કઈ રીતે પ્રેક્ટિસ કરાવે છે? 
સુનિલ કુમારે કોચની પ્રશંસા કરતા કહ્યું કે, તે દરેક ખેલાડીઓનું ખાસ ધ્યાન રાખે છે. દરેકને અલગ અલગ રીતે  પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ સાથે દરેક ટીમ પ્રમાણે રણનીતિ તૈયાર કરવામાં આવે છે. પ્રો-કબડ્ડીની સિઝન શરૂ  થયાના ત્રણ મહિના પહેલા અમે કોચ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. ફિટનેસ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. 


Q ફિટનેસ બાબતે શું ધ્યાન રાખો છો?
જી હા તમામ રમતમાં ફિટનેસનું ખૂબ મહત્વ હોય છે. જે ખેલાડી સારી રીતે ફિટ હોય તે કોર્ટ પર સારૂ પ્રદર્શન કરી શકે  છે. અમારી ટીમમાં પણ ફિટનેસ પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ટીમ મેનેજમેન્ટે ફિટનેસ કોચ પણ રાખ્યા છે.  કોચ પણ તમામ ખેલાડીઓને ફિટ રાખવા પર વિશેષ ધ્યાન આપે છે. અમે શારિરીક અને માનસિક રીતે ફિટ રહેવા  માટે જીમ, ઉપરાંત કસરત અન્ય ગેમ્સ રમવી તથા યોગ અને ધ્યાનનો પણ સહારો લેવામાં આવે છે. 


Pro Kabaddi: 16 નવે.થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ, અમદાવાદમાં કુલ 11 મેચ રમાશે 


Q આ વખતે ટ્રોફી ઉઠાવવા મળશે? 
જી ચોક્કસ, ગત વખતે અમે ફાઇનલમાં હારી ગયા હતા. ત્યારે ખૂબ અફસોસ થયો હતો. ટ્રોફીની નજીક પહોંચીને  ઉઠાવી શક્યા ન હતા. પરંતુ આ વખતે અમારી યુવા ટીમ ઉત્સાહ સાથે ટૂર્નામેન્ટમાં આગળ વધી રહી છે. અમને  વિશ્વાસ છે કે, આ સિઝનમાં પણ અમે સારૂ પ્રદર્શન કરીશું અને ટ્રોફી જીતીશું. ટીમના તમામ ખેલાડીઓ પોતાની  ભૂમિકા સારી રીતે નિભાવે છે. અમે જે ગેમ પ્લાન બનાવીએ તેને કોર્ટ પર ઉતારીએ છીએ. જેથી અમને આ વખતે  વિજયી બનવાની આશા છે.