Roger Binny BCCI President: પિતા રેલવે ગાર્ડ, જીતાડ્યા 2 વર્લ્ડ કપ, જાણો કોણ છે નવા BCCI અધ્યક્ષ રોજર બિન્ની?
Roger Binny BCCI President: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યાએ 1983 વર્લ્ડ ચેમ્પિયન ટીમમાં રહેલા રોજર બિન્નીને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્લી: રોજર બિન્ની બીસીસીઆઈના નવા બોસ બની ગયા છે. બીસીસીઆઈની એજીએમમાં ભારતના પૂર્વ ઓલરાઉન્ડરને બોર્ડની કમાન સોંપવામાં આવી છે. બિન્નીએ સૌરવ ગાંગુલીની જગ્યા લીધી છે. જે ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈના અધ્યક્ષ રહ્યા. સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટનું મોટું નામ છે. પરંતુ રોજર બિન્ની પણ ભારતીય ક્રિકેટ માટે મોટું નામ છે. તેમની ક્રિકેટ કારકિર્દીમાં ભલે આંકડા મોટા ન હોય પરંતુ તે ભારત માટે મહત્વના ખેલાડી રહ્યા છે. આખરે કેવો છે રોજર બિન્નીનો છે ઈતિહાસ? તે દરેક ભારતીય ફેને જાણવું જરૂરી છે.
કોણ છે રોજર બિન્ની?:
રોજર બિન્નીની સફર ફિલ્મી છે. તે એક ગરીબ પરિવારમાંથી બહાર આવ્યા હતા. પિતા એક સામાન્ય નોકરી કરતા હતા. પરંતુ તેમ છતાં રોજર બિન્નીએ દેશ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ. વર્લ્ડકપ ટીમમાં રહ્યા અને હવે તે બીસીસીઆઈના ચીફ બન્યા છે. જાણો બીસીસીઆઈના ચીફ રોજર બિન્નીની કારકિર્દીની મોટી વાતો.
રેલવે ગાર્ડ હતા રોજર બિન્નીના પિતા:
મૂળ રીતે સ્કોટલેન્ડના રહેવાસી રોજર બિન્નીએ 1983માં વર્લ્ડ કપ જીતાડનારી ભારતીય ટીમનો ભાગ હતા. તેમની છેલ્લી ચાર પેઢી ભારતમાં રહેતી હતી. આ કારણે કોઈનો સ્કોટલેન્ડ સાથે કોઈ સંબંધ ન હતો. તેમના પિતા રેલવેમાં ગાર્ડનું કામ કરતા હતા. આ દરમિયાન તેમની સતત ટ્રાન્સફર થતી રહેતી હતી. આ કારણે બિન્નીને સાલેમની બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યા. બાળપણથી જ બિન્ની ઓલરાઉન્ડર હતા. તે પોતાની સ્કૂલ તરફથી હોકી, ફૂટબોલ સિવાય એથ્લેટિક્સની ઈવેન્ટમાં ભાગ લેતા હતા. ક્રિકેટ તેમના જીવનમાં પછી આવ્યું. 1973માં તેમણે જેવલિન થ્રોના અંડર-18નો નેશનલ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
અનેક રમતના એક્સપર્ટ છે બિન્ની:
બાળપણથી જ બિન્ની ઓલરાઉન્ડર હતા. તે પોતાની સ્કૂલ માટે હોકી, ફૂટબોલ સિવાય એથ્લેટિક્સની તમામ ઈવેન્ટમાં ભાગ લેતા હતા. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તે ફૂટબોલમાં વિકેટકીપરની જવાબદારી નિભાવતા હતા અને હોકીમાં હાફ બેકની પણ. તે એથ્લેટિક્સની ઈવેન્ટમાં પણ ભાગ લેતા હતા. જેમાં લોંગ જમ્પ, હાઈ જમ્પ, શોટપુટ અને જેવલિન થ્રોનો સમાવેશ થતો હતો.
ભારત માટે રમનારા પહેલા એંગ્લો-ઈન્ડિયન:
1973માં કર્ણાટક સ્કૂલમાંથી જ તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. અને તેની સાથે જ તેમની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ. તેમણે સાઉથ ઝોન તરફથી રમવાનું શરૂ કર્યું અને 1975માં તે કર્ણાટકની ટીમમાં પસંદ કરવામાં આવ્યા. થોડાક વર્ષો પછી તેમણે પાકિસ્તાન સામે બેંગ્લોરમાં ટેસ્ટ ડેબ્યુ કર્યુ. તે ભારત માટે ક્રિકેટ રમનારા પહેલા એંગ્લો-ઈન્ડિયન બની ગયા. 1983ના વર્લ્ડ કપમાં તે સૌથી વધારે વિકેટ લેનારા ખેલાડી બન્યા હચા. ઓસ્ટ્રેલિયા સામે તેમના 29 રનમાં 4 વિકેટના બેસ્ટ પરફોર્મન્સથી જ ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું હતું.
કોચ તરીકે પણ વર્લ્ડ કપ જીતાડ્યો:
બિન્નીએ ખેલાડી તરીકે તો ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો પરંતુ વર્ષ 2000માં મોહમ્મદ કૈફની આગેવાનીમાં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. બિન્ની આ ટીમના કોચ હતા. કોચ પછી તેમણે એડમિનિસ્ટ્રેશન પદ સંભાળવાનો નિર્ણય કર્યો અને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનનો ભાગ બની ગયા.
સિલેક્ટર બનતાં થયો હતો વિવાદ:
તે કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ રહ્યા અને પછી 2012માં તેમને નેશનલ સિલેક્ટર બનાવવામાં આવ્યા. આ દરમિયાન તેમણે 2015ના વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાની પસંદગી કરી, જેમાં તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ હતો. તેના કારણે ઘણો વિવાદ થયો હતો. બિન્ની પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે તેમણે હંમેશા એમ જ કહ્યું કે સ્ટુઅર્ટની પસંદગીમાં તેમનો કોઈ જ રોલ ન હતો. હવે બિન્ની બીસીસીઆઈના નવા અધ્યક્ષ બની ગયા છે.