મોસ્કો: ફિફા વર્લ્ડ કપના ગ્રુપ ડીના મુકાબલામાં ક્રોએશિયાએ ખિતાબનો પ્રબળ દાવેદાર ગણાતી આર્જેન્ટિનાની ટીમને 3-0થી હરાવીને બધાને સ્તબ્ધ કરી નાખ્યાં. ક્રોએશિયા માટે રેબિચે 53મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યારબાદ લૂકા મેડરિચે 80મી મિનિટમાં ગોલ કરીને ટીમને 2-0ની લીડ અપાવી હતી. ક્રોએશિયા તરફથી ત્રીજો ગોલ ઈવાન રાકિતિચે ઈંજરી ટાઈમમાં કર્યો. આ ગોલે આર્જેન્ટીનાના પ્રશંસકોની પીડા વધારી દીધી હતી. જીત બાદ હવે ક્રોએશિયા રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઈ છે. જ્યારે આર્જેન્ટિનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસીનું સપનું છે કે આ વખતે વર્લ્ડ કપ આર્જેન્ટિના જીતે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોલકિપરની ચૂક
આર્જેન્ટિનાના ગોલકિપરે બોલને ક્લિયર કરવામાં મોટી ભૂલ કરી. તે ગોલને ક્રોએશિયન ખેલાડી રિબિચની ઉપરથી કાઢી શક્યો નહીં અને તેણે પોતાના જમણા પગથી કિક મારીને બોલને નેટમાં ધકેલી દીધો હતો.


મેડરિચનો શાનદાર ગોલ
ત્યારબાદ 80મી મિનિટમાં મેડરિચે ગોલ કરીને ટીમને મહત્વની 2-0ની લીડ અપાવી દીધી. જે કાયમ રહી. તેણે મેચ ખતમ થવાની 10 મિનિટ પહેલા ગોલ કરતા ક્રોએશિયાના ખેમામાં ખુશી છવાઈ ગઈ હતી. આ ગોલ બાદ ક્રોએશિયાના કોચ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતાં.



મેસીનો જાદૂ ન ચાલ્યો
રવિવારે 31 વર્ષના થઈ રહેલા મેસીનો આ મેચમાં પણ કોઈ જાદૂ જોવા મળ્યો નહીં. તે ક્રોએશિયા વિરુદ્ધ એક પણ શોટ લગાવવામાં સફળ થયો નહીં. પાંચ દિવસ પહેલા પણ તે આઈસલેન્ડ સામે પેનલ્ટીથી ચૂકી ગયો હતો. આ મેચ 1-1થી બરાબર રહી હતી.


આર્જેન્ટિના માટે હવે શું?
આર્જેન્ટિના માટે હવે નોકઆઉટમાં પહોંચવાના રસ્તા મુશ્કેલ બની ગયા છે. હવે શુક્રવારના રોજ નાઈજીરિયા આઈસલેન્ડને હરાવી દે કે પછી બરાબરી પર મેચ પતે અને ત્યારબાદ આર્જેન્ટિના નાઈજેરિયાને હરાવી દે તો જ કોઈ વાત બની શકે છે.


ક્રોએશિયાએ ગ્રુપ ડીના પોતાના પહેલા મુકાબલામાં નાઈજેરિયાને હરાવ્યું હતું. જ્યારે આર્જેન્ટિનાની આઈસલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો ગઈ હતી.