સોચિઃ ફીફા રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલ બેલ્જિયમની ટીમ આજે ફુટબોલ વિશ્વકપમાં પનામા સામે મેદાનમાં ઉતરીને તેના અભિયાનનો પ્રારંભ કરશે. બેલ્જિયમના કોચ રોબર્ટો માર્ટિનેજ પોતાની દમદાર ટીમના મેચની રાહ જોઈ રહ્યાં છે. ફુટબોલના સુવર્ણ સમયમાંથી પસાર થઈ રહેલી બેલ્જિયમમાં ઇડન હજાર્ડ અને કેવિન ડી બ્રુઈન જેવા શાનદાર ખેલાડીઓ છે, જેની પાસેથી ટીમને સારા પ્રદર્શનની આશા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપમાં ઈંગ્લેન્ડની ટીમ પણ છે પરંતુ બેલ્જિયમની નોકઆઉટમાં પહોંચવાની સંભાવના છે. આજે અહીં રમાનારી મેચમાં જો ટીમ પ્રથમવાર વિશ્વકપમાં રમી રહેલી પનામાને હરાવવામાં અસફળ રહી તો મોટો અપસેટ સર્જાશે. 


માર્ટિનેજે ફિશ સ્ટેડિયમમાં કહ્યું, હું ઈચ્છીશ કે ટીમ પોતાની સ્વભાવિક રમત રમે ન કે વિશ્વકપનો ભાર લે, હું તેવી ટીમની ઈચ્છા રાખુ જે જવાબદારીનો આનંદ ઉઠાવે. તેમણે કહ્યું, હું ઉત્સાહિત છું. હું ખેલાડીઓને મહેનત કરતા જોઈ રહ્યો છું. મેં તેઓને પ્રેક્ટિસ કરતા જોયા છે. તે પ્રશંસકો માટે શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. 


માર્ટિનેજની દેખરેખમાં બેલ્જિયમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે સોમવારે કોસ્ટા રિકાને ફ્રેન્ડલી મેચમાં 4-1થી પરાજય આપ્યો હતો. ટીમ છેલ્લા 19 મેચમાં હારી નથી. ટીમના ફોરવર્ડ ખેલાડી ડ્રાઇજ મર્ટેન્સે કહ્યું, મને લાગે છે કે, અમને ખ્યાલ છે અમે કેટલા મજબૂત છીએ અને મને આશા છે કે, અમે આ વિશ્વકપમાં દેખાડશું. 


બેલ્જિયમની ટીમ આજે પનામા સામેની મેચ બાદ 28 જૂને કૈલિનઇનગ્રાદ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટકરાશે. પનામાની ટીમ પ્રથમવાર વિશ્વકપમાં રમી રહી છે અને આ ટીમ પણ અન્ય ટીમને ટક્કર આપવા માટે તૈયાર છે.