FIFA World Cup 2018: રોનાલ્ડોના 1 ગોલની મદદથી પોર્ટુગલે મોરક્કોને 1-0થી હરાવ્યું
આ સાથે પોર્ટુગલના બે મેચમાં ચાર અંક થઈ ગયા છે અને ટીમ પોતાનો અંતિમ ગ્રુપ મેચ 25 જૂને ઈરાન સામે રમશે.
નવી દિલ્હીઃ ફીફા વિશ્વ કપ 2018ના ગ્રુપ-બીના મેચમાં પોર્ટુગલે મોરક્કોને 1-0થી હરાવી દીધું છે. પોર્ટુગલ તરફથી કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચની ચોથી મિનિટમાં જ ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી અને તે અંતિમ સમય સુધી બની રહી. મોરક્કોની ટીમે ખૂબ પ્રયત્નો કર્યા પણ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.
રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ
રોનાલ્ડો જ્યારે જોઆઓ મોતિનહોની ડાબી બાજુથી મળેલા પાસને હેડરથી ગોલ કરી દીધો અને યૂરોપિયન ફુટબોલમાં ઈતિહાસ બનાવી દીધો. પોર્ટુગલ માટે તેના 85માં ગોલે તેને હંગરીના મહાન ખેલાડી ફેરેંક પુસકાસની બરોબરી પર લાવી દીધો. ફેરેંક પણ કોઇપણ યૂરોપીય રાષ્ટ્રીય ટીમ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. ઈરાનનો અલી દાઈ પોતાની રાષ્ટ્રીય ટીમ માટે સૌથી વધુ ગોલ કરવાના મામલે રોનાલ્ડોથી આગળ છે. દાઈએ ઈરાન માટે 109 ગોલ કર્યા છે.
માત્ર રોનાલ્ડોના નામે ગોલ
રોનાલ્ડોના આ વિશ્વકપમાં ચોથો ગોલ હતો. સ્પેન વિરુદ્ધ ટીમના પ્રથમ મેચમાં તેણે હેટ્રેક લગાવીને મેચ ડ્રો કરાવી હતી. મહત્વનું છે કે, પોર્ટુગલ માટે અત્યાર સુધી વિશ્વકપમાં માત્ર રોનાલ્ડોએ ગોલ કર્યા છે.
ગોનકેલોએ અવસર ગુમાવ્યો
પોર્ટુગલની ટીમનો સ્કોર વધી શકતો હતો જ્યારે રોનાલ્ડોએ ગોનકેલો ગ્યૂડસ માટે 39મી મિનિટે અવસર બનાવ્યો પરંતુ મોરક્કો ગોલકીપર મુસ્તૈદ હતો અને તેણે બોલને ગોલપોસ્ટમાં જતો રોકી લીધો.
અંતિમ મિનિટોમાં મોરક્કોનો પ્રહાર
રમતની અંતિમ મિનિટોમાં મોરક્કોએ ઘણા હુમલા કર્યા. પોતાની રમતમાં આક્રમતકા દેખાડી પરંતુ આ પુરતી ન હતી. એક્સ્ટ્રા ટાઇમમાં પણ તેને એક અવસર મળ્યો પણ તેનો ફાયદો ઉઠાવવામાં મોરક્કોની ટીમ નિષ્ફળ રહી હતી.
પોર્ટુગલની પ્રથમ જીત
પોર્ટુગલની આ વિશ્વકપમાં પ્રથમ જીત છે. તેણે પ્રથમ મેચ સ્પેન સામે 3-3થી ડ્રો રમી હતી. હવે તેના 4 અંક થઈ ગયા છે અને તે રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની નજીક પહોંચી ગઈ છે. તેનો આગામી મેચ 25 જૂને ઈરાન સામે છે.
મોરક્કોની સતત બીજી હાર
મોરક્કોની બે મેચમાં સતત બીજી હાર છે. 15 જૂને રમાયેલી પ્રથમ મેચમાં ઈરાન સામે 0-1થી પરાજય મળ્યો હતો. તેનો આગામી મેચ સ્પેન સામે 25 જૂને હશે. હાર બાદ મોરક્કોની આગામી રાઉન્ડમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે.