FIFA વર્લ્ડ કપઃ આર્જેન્ટીનાનું શું થશે? મેસીની ટીમને જીતની સાથે જોઈએ નસીબનો પણ સાથ
મેસી અને આર્જેન્ટીનાની પ્રતિષ્ઠા દાવ પર છે. મેસીની ટીમે વિજય સાથે ક્રોએશિયા અને આઇસલેન્ડના મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
સેન્ટ પીટર્સબર્ગઃ આર્જેન્ટીનાએ વિશ્વકપમાં પોતાની આશા બરકરાર રાખવી છે તો તેણે આજે (26 જૂન) નાઇઝીરિયા વિરુદ્ધ કોઇપણ ભોગે વિજય મેળવવો પડશે. આર્જેન્ટીના અને લિયોનેલ મેસીએ વિશ્વભરમાં ફેલાયેલા પોતાના દર્શકોને નિરાશ કર્યા છે. આઈસલેન્ડની સાથે ડ્રો અને ક્રોએશિયાના હાથે શર્મનાક હાર બાદ આર્જેન્ટીનાની પ્રતિષ્ઠા દાવ પર છે. આર્જેન્ટીના-નાઇઝીરિયાનો મુલાબકો ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે શરૂ થશે.
આટલું જ નહીં તેણે ગ્રુપ ડીના એક અન્ય મેચમાં આઈસલેન્ડની ક્રોએશિયાના હાથે હારની દુઆ પણ કરવાની રહેશે. જો આઈસલેન્ડ અપસેટ કરી દે તો આર્જેન્ટીના ગોલના અંતરથી આગળ વધી શકે છે અને આ માટે મોટા અંતરથી જીત મેળવવી પડશે.
ગત વખતની રનર્સઅપ આર્જેન્ટીના આ સ્થિતિ સુધી પહોંચ્યું તો તે માટે પોતે જવાબદાર છે. કોચ જોર્જ સામ્પાઓલીના નિર્ણય ચોંકાવનારા રહ્યાં. તેના ડિફેન્સે સારૂ પ્રદર્શન કર્યું નથી. તો મિડફિલ્ડરોએ પણ પોતાના પ્રદર્શનથી નિરાશ કર્યા છે.
અહીં સુધી કે મેસી પણ નિરાશ કરવામાં પાછળ રહ્યો નથી. તે આઈસલેન્ડ વિરુદ્ધ પેનલ્ટી ચૂકી ગયો હતો, જેનું દર્દ આજે પણ આર્જેન્ટીનાને અંદર સુધી મહેસૂસ થાય છે. આર્જેન્ટીનાના નામે અત્યારે બે મેચમાં એક અંક છે અને ડ્રો કે હાર પર તે 2002 બાદ પ્રથમવાર શરૂઆતી રાઉન્ડમાંથી બહાર થઈ જશે.
હવે ફરી આર્જેન્ટીનાની આશા મેસી પર ટકેલી છે, જેની હેટ્રિકની મદદથી તેણે વિશ્વકપમાં ક્વોલિફાઇ કર્યું હતું. મેસી કોઇ કમાલ કરે તે માટે જરૂરી છે કે, ટીમ એકજૂથ થઈને રમે, કારણ કે, કોચ અને ખેલાડીઓ વચ્ચે મતભેદોની ચર્ચા ચાલી રહી છે.
બીજીતરફ નાઇઝીરિયાએ અત્યાર સુધી ત્રણેય વિભાગોમાં અનુશાસિત પ્રદર્શન કર્યું છે. વિક્ટર મોસેજ અને અહમદ મૂસાએ વિરોધી ટીમના ડિફેન્સને ભેદવામાં કોઇ કમી છોડી નથી. નાઇઝીરિયાએ ગત મેચમાં આઈસલેન્ડને 2-0થી હરાવ્યું હતું અને આર્જેન્ટીના પર જીત કે ડ્રો તેની નોકઆઉટની ટિકિટ પાકી કરી દેશે.
જો આંકડાની વાત કરીએ તો વિશ્વકપમાં આ બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ચાર મેચ રમાઇ છે અને આ ચારેયમાં આર્જેન્ટીનાનો વિજય થયો છે. તેણે ગત વિશ્વકપમાં નાઇઝીરિયાને 3-2થી હરાવ્યું હતું અને આ મેચમાં મેસીએ બે ગોલ કર્યા હતા.