નવી દિલ્હીઃ Morocco vs Portugal FIFA World Cup 2022:  ફીફા વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલ મેચમાં મોરક્કોએ ફરી અપસેટ સર્જયો છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને બહાર કરનાર મોરક્કોએ હવે પોર્ટુગલને બહાર કરી દીધુ છે. આ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું છે. ક્વાર્ટર ફાઇનલમાં મોરક્કોએ પોર્ટુગલને 1-0થી પરાજય આપ્યો છે. આ હોલ પહેલા હાફમાં યૂસુફ એન નેસરીએ કર્યો હતો. પોર્ટુગલના પરાજય બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. તો ફીફા વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચનાર મોરક્કો પ્રથમ આફ્રિકન દેશ બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ટુગલને હરાવી મોરક્કોએ સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે તેનો મુકાબલો ચોથા ક્વાર્ટર ફાઇનલની વિજેતા સાથે થશે. આ મુકાબલો ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રમાશે. ચોથી ક્વાર્ટર ફાઇનલ મોડી રાત્રે 12.30 કલાકે શરૂ થશે. 


મેચમાં પોર્ટુગલ અને મોરક્કો વચ્ચે શરૂઆતથી આકરી ટક્કર જોવા મળી હતી. બોલ પઝેશન હોય તે ગોલના પ્રયાસ હોય, દરેક મામલામાં બંને ટીમ એકબીજા પર ભારે પડી રહી હતી. પરંતુ પ્રથમ ગોલ 42મી મિનિટે યૂસુફ એન નેસરીએ કર્યો હતો. આ ગોલ યહ્યા અતિઅત-અલ્લાહે અસિસ્ટ કર્યો હતો. આ ગોલની મદદથી મોરક્કોએ જીત મેળવી છે. 


મોરક્કોએ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
આ જીતની સાથે મોરક્કોએ ઈતિહાસમાં પોતાનું નામ સૂવર્ણ અક્ષરે નોંધાવી દીધુ છે. તે ફુટબોલ વર્લ્ડકપના ઈતિહાસમાં સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રીકન ટીમ બની છે. આ પહેલા કેમરૂને 1990, સેનેગલે 2002 અને ઘાનાએ 2010માં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી, પરંતુ તેનાથી આગળ કોઈ ટીમ વધી શકી નહીં. જ્યારે પોર્ટુબલ ટીમ બે વખત (1966, 2006) માં ટોપ-4માં પહોંચી હતી. પરંતુ આ વખતે તેનું સપનું તૂટી ગયું છે. 


રોનાલ્ડો વગર મેદાનમાં ઉતરી હતી પોર્ટુગલ
પોર્ટુગલની ટીમ આ મેચમાં સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વગર મેદાનમાં ઉતરી હતી. રોનાલ્ડોને સતત બીજી મેચમાં સ્ટાર્ટિંગ-11માં જગ્યા આપવામાં આવી નહીં. પરંતુ રોનાલ્ડોને 52મી મિનિટે મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો. તે રૂબેન નેવેસની જગ્યાએ સબ્સટિટ્યૂટ તરીકે મેદાનમાં આવ્યો હતો, પરંતુ કોઈ કમાલ કરી શક્યો નહીં.