મોસ્કોઃ ફીફા વર્લ્ડ કપ 2018નો ફાઇનલ મેચ રવિવારે રૂસની રાજધાની મોસ્કોના લુજ્નિકી સ્ટેડિયમમાં ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 કલાકે શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 ટીમોની ટક્કર બાદ ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનના ફાઇનલમાં બે ટીમો ફ્રાન્સ અને ક્રોએશિયા તમામને પછાડીને પહોંચી છે. આ બંન્નેની નજર વિશ્વ વિજેતા બનવા પર છે. બંન્ને ટીમો પોતાનું સપનું સાકાર કરવા માટે આજે એકબીજા સાથે ટકરાશે. 


ફ્રાન્સ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. તે 1998માં પ્રથમવાર પોતાના ઘરમાં રમાયેલા વર્લ્ડકપમાં ફાઇનલમાં રમી હતી અને જીતવામાં સફળ રહી હતી. ત્યારબાદ 2006માં તેણે ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ તે ઈટલી સામે હારી ગયું હતું. ફ્રાન્સની પાસે ફાઇનલ રવાનો અનુભવ છે, પરંતુ જો ક્રોએશિયાની વાત કરવામાં આવે તો તે પ્રથમવાર ફાઇનલ રમશે. 


ક્રોએશિયા અહીં સુધી પહોંચશે તે કોઈએ વિચાર્યું ન હતું, પરંતુ તેણે જે ગેમ રમી છે, તે તેને ફાઇનલની હકદાર બનાવે છે. હાર ન માનવાની જિદ ક્રોએશિયાની સૌથી મોટી તાકાત છે જે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી સેમીફાઇનલમાં દેખાડી હતી. એક ગોલથી પાછળ રહ્યાં બાદ વધારાના સમયમાં મેચ લઈ જઈને ગોલ કરીને ઈંગ્લેન્ડ પાસેથી જીત છીનવી લીધી હતી. 


તે સતત ત્રણ મેસ વધારાના સમયમાં લઈ જઈને જીત્યું છે. તે વાતથી અંદાજ લગાવી શકાય કે તે હાર માનનારી ટીમ નથી. ફ્રાન્સ માટે આ માથાનો દુખાવો છે પરંતુ શું ક્રોએશિયા, ફ્રાન્સનો ખૂબ મજબૂત પડકાર તેના ડિફેન્સને ભેદવામાં સફળ રહેશે, તે તો મેચમાં ખ્યાલ આવશે. 


લુકા મોડ્રિકની આ ટીમ ફ્રાન્સને હરાવવાની શક્તિ ધરાવે છે. ક્રોએશિયા એક સંતુલિત ટીમ છે જેની તાકાત તેની મિડફીલ્ડ છે. લુકા મોડ્રિકને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મિડફીલ્ડર માનવામાં આવે છે. 


કેપ્ટન તરીકે તેના પર પોતાના દેશને પ્રથમ વર્લ્ડકપ અપાવવાની જવાબદારી છે. ક્રોએશિયા તેવી ટીમ નથી કે એક ખેલાડી પર નિર્ભર છે. તેની પાસે એન્ટે રેબિક, ઇવાન રાકિટિક, સિમે વારસાલ્જ્કો, ઇવાન પેરીકિસ જેવા ખેલાડીઓ છે. 


ક્રોએશિયાની બીજી સૌથી મોટી તાકાત છે તેનો ગોલકીપર ડેનિયર સુબાસિચ. તેણે વર્લ્ડ કપમાં ઘણા શાનદાર બચાવ કરીને પોતાની ટીમને અહીં સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલમાં તેણે સરળ તક પર પણ ગોલ કરતા રોક્યા હતા. 


ક્રોએશિયાના ડિફેન્ડ અને ગોલકીપર બંન્ને માટે ફ્રાન્સના આક્રમણને રોકવું સરળ રહેશે નહીં. એન્ટોનિયો ગ્રીજમૈન, કીલિયન એમબાપ્પે, પોલ પોગ્બાસ એનગોલો કાંતેને રોકવા મુશ્કેલ છે, એક પણ ભૂલ થઈ તો તે બોલ ગોલપોસ્ટમાં મોકલી આપે છે. પરંતુ તેનાથી પણ મુશ્કેલ કામ ક્રોએશિયા માટે ફ્રાન્સના ડિફેન્સને તોડવાનું છે. 


ફ્રાન્સના ડિફેન્સમાં રાફેલ વરાન, સૈમુએલ ઉમ્તીતી અને ગોલકીપર હ્યૂગો લોરિસની ત્રિપુટી છે, જે સારા સારા એટેકને અત્યાર સુધી રોકવામાં સફળ રહી છે. આ દીવાલ ક્યારેય હાર ન માનનારી ક્રોએશિયા સામે પડી જશે કે નહીં તે વાતનો ખ્યાલ ફાઇનલમાં આવશે. 


ફ્રાન્સે જ્યારે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે તેના કેપ્ટન દિદિએર ડેસચેમ્પસ હતા જે આ સમયે ટીમના કોચ છે. જો આ રણનીતિકાર ફ્રાન્સને બીજો વિશ્વકપ અપાવવામાં સફળ રહે છે તો તે વિશ્વના ત્રીજા વ્યક્તિ બની જશે જેણે ખેલાડી અને કોચ તરીકે વિશ્વકપ જીત્યો હોય. આ પહેલા બ્રાઝીલના મારિયો જાગાલો અને જર્મનીના ફ્રાંજ બેકકેનબાયુએરે કોચ અને ખેલાડી તરીકે વિશ્વકપ જીત્યો છે. ફાઇનલ મેચ રોમાંચક થવાની આશા છે.