FIFA World Cup : એક પૂર્વ ચેમ્પિયન બીજાને કરશે બહાર, બંન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર
ઉરુગ્વે અને ફ્રાન્સ વચ્ચે યોજાનારો પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો આ વિશ્વકપનો અત્યાર સુધીનો સૌથી રોમાંચક મેચ હશે.
નિજની નોવોગોરોડ (રૂસ): ફુટબોલના સૌથી મોટા મહાકુંભ ફીફા વર્લ્ડકપની 21મી સીઝનના પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં બે વખતની વિજેતા ઉરુગ્વેનો સામનો 1998ની વિજેતા ફ્રાન્સ સામે થશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી બંન્ને ટીમો નિજની નોવોગોરોડ સ્ટેડિયમમાં સેમીફાઇનલમાં પહોંચવા માટે કોઇ કસર છોડશે નહીં. ફ્રાન્સ અને ઉરુગ્વે બંન્ને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં દિગ્ગજ ખેલાડીઓની ટીમોને હરાવીને આપી છે. ઉરુગ્વેએ પ્રી ક્વાર્ટરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલને હરાવી હતી, તો ફ્રાન્સે લિયોનેલ મેસીની આર્જેન્ટીનાને પરાજય આપીને પોતાના અભિયાનને જીવંત રાખ્યું હતું.
આ મેચ એક રીતે બંન્ને ટીમોના મજબૂત ડિફેન્સની પરીક્ષા થશે. આત્મવિશ્વાસથી ભરેલી બંન્ને ટીમો વચ્ચે મેચ રોમાંચક થવાની આશા છે. ઉરુગ્વેની ટીમે અત્યાર સુધી એક મેચ ગુમાવ્યો નથી અને એક ગોલ ખાધો છે. બીજીતરફ ફ્રાન્સ પણ અજેય છે, પણ તેણે એક ડ્રો રમ્યો છે.
ઉરુગ્વે માટે સૌથી મોટી ચિંતા છે કે પોર્ટુગલ વિરુદ્ધ બે ગોલ કરનાર તેનો સ્ટ્રાઇકર એડિસન કવાની ઈજાગ્રસ્ત છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેને ઈજા થઈ હતી અને તેથી તેણે મેદાન બહાર જવું પડ્યું હતું. તે ક્વાર્ટર ફાઇનલમાં રમશે કે નહીં તેના પર શંકા છે. કોચ ઓસ્કર તબરેજ માટે તેનો વિકલ્પ શોધવો મુશ્કેલ હશે.
કવાની ન હોવાને કારણે ઉરુગ્વેને એક નુકસાન તે પણ થશે કે ટીમના સૌથી મોટા ખેલાડી લુઇસ સુઆરેજનો અસરદાર જોડીદાર મેચમાં નહીં હોય જે વાત સુઆરેજને પણ નબળો પાડી શકે છે. ગત મેચમાં કવાનીએ સુઆરેજની મદદથી જ ગોલ કર્યા હતા. આ જોડી ગમે ત્યારે ગોલ કરવા માટે તૈયાર રહે છે.
FIFA World Cup : બ્રાઝીલને ક્વાર્ટર ફાઇનલમાં ટક્કર આપવા માટે બેલ્જિયમ તૈયાર
સુઆરેજને આ મેચમાં કોનો સાથ મળશે તે જોવાનું રહેશે. ઉરુગ્વેની તાકાત તેની ડિફેન્સ છે, જેણે રોનાલ્ડો જેવા ખેલાડીને પણ ગોલ કરવાથી વંચીત રાખ્યો હતો. આ ડિફેન્સ પર એન્ટોની ગ્રીજમૈન, કીલિયમ મબાપ્પે, પોલ પોગ્બા, એનગોલો કાંતેને રોકવાનો પડકાર હશે.
બીજીતરફ ફ્રાન્સનું ડિફેન્સ પણ મજબૂત છે. તેણે પણ મેસીને બાંધીને રાખ્યો હતો. ફ્રાન્સમાં સૈમુઅલ ઉમ્તિતિ, રાફેલ વરાન માટે ઉરુગ્વેના એકેટને રોકવા માટે તૈયાર રહેવું પડશે. ફ્રાન્સ માટે આ મેચમાં એક ચિંતાનો વિષય છે કે તે બ્લાસે માટુઇડીના સ્થાને કોને મેદાન પર ઉતારશે જે પ્રતિબંધને કારણે આ મેચ રમશે નહીં.