કજાન (રૂસ): ફુટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફીફા વર્લ્ડ કપની 21મી સીઝનમાં અપસેટના સિલસિલા વચ્ચે બેલ્જિયમ અને પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝીલ શુક્રવારે સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે મેદાનમાં ઉતરશે. બેલ્જિયમે લીગ રાઉન્ડમાં ત્રણેય મેચ જીતીને અંતિમ-16માં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે બે ગોલથી પાછળ રહ્યાં બાદ રોમાંચક મેચમાં જાપાનને હરાવ્યું હતું. બેલ્જિયમની ટીમ છેલ્લી બે મોટી ટૂર્નામેન્ટ ફીફા વર્લ્ડ કપ 204 અને યૂરો 2016માં ક્વાર્ટર ફાઇનલમાંથી જ બહાર થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેલ્જિયમ જો બ્રાઝીલને હરાવીને સેમીમાં પહોંચે છે તો ટૂર્નામેન્ટના ઇતિહાસમાં તેની બીજી સેમીફાઇનલ હશે. બેલ્જિયમ આ પહેલા 1986માં મેક્સિસોમાં યોજાયેલા વિશ્વકપના સેમીફાઇનલમાં પહોંચ્યું હતું જ્યાં તેનો આર્જેન્ટીના સામે પરાજય થયો હતો. વર્ષ 2002ના વર્લ્ડ કપમાં બ્રાઝીલે બેલ્જિયમને 2-0થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. 


બેલ્જિયમના રોમેલુ લુકાકુ આ સીઝનમાં અત્યાર સુધી ત્રણ મેચમાં ચાર ગોલ કરી ચૂક્યો છે અને તે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન (6 ગોલ)ને ગોલ્ડન બૂટની રેસમાં ટક્કર આપી રહ્યો છે. બીજીતરફ કેપ્ટન ઈડન હેજર્ડ પાસે પણ ટીમને ખૂબ આશા છે. 


બેલ્જિયમે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જે પ્રકારે જાપાન વિરુદ્ધ બે ગોલથી પાછળ રહ્યાં બાદ વાપસી કરી તે ચોંકાવનારી હતી. બેલ્જિયમે પોતાના આ પ્રદર્શનથી દેખાડી દીધું કે તે નેમાર એન્ડ કંપનીને ટક્કર આપવા માટે તૈયાર છે. બીજીતરફ બ્રાઝીલ પણ ગ્રુપમાં સાત અંકની સાથે ટોપ પર રહીને પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યું હતું. બ્રાઝીલે અંતિમ-16માં એકતરફ અંદાજમાં મેક્સિકોને 2-0થી હરાવીને ક્વાર્ટરમાં પહોંચ્યું છે. 


વિશ્વ કપના ઈતિહાસમાં 14મી વાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર બ્રાઝીલની ટીમે આ સીઝનમાં અત્યાર સુધી એક ગોલ ખાધો છે જ્યારે તેણે સાત ગોલ કર્યા છે. તેવામાં ટીમ કોચ ટિટેના માર્ગદર્શનમાં બેલ્જિયમ વિરુદ્ધ આ પ્રદર્શન જારી રાખવા મેદાને ઉતરશે. 


અપસેટનો શિકાર થતા બચી હતી બ્રાઝીલ
ગ્રુપ સ્ટેજના પોતાના પ્રથમ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ વિરુદ્ધ 1-1નો ડ્રો રમ્યા બાદ તેવું લાગી રહ્યું હતું કે, બ્રાઝીલ અપસેટનો શિકાર થશે. પરંતુ ત્યારબાદ તેણે ત્રણેય મેચ જીતીને અપસેટની સંભાવનાઓને નકારી દીધી હતી. 


ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની, સહિત આર્જેન્ટીના, સ્પેન અને પોર્ટુગલ બહાર થયા બાદ ટૂર્નામેન્ટમાં હવે બ્રાઝીલ માટે છઠ્ઠો વિશ્વકપ જીતવાનો માર્ગ આસાન બની ગયો છે. બ્રાઝીલના દિગ્ગજ ખેલાડી નેમારે અત્યાર સુધી ચાર મેચોમાં બે ગોલ કર્યા છે. નેમાર પહેલા જ યર્લ કાર્ડ પર છે અને આ મેચમાં યલો કાર્ડ મળે તો આવતા મેચમાં બહાર થઈ શકે છે. બ્રાઝીલ સતત સાતમીવાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે અને તેની નજર સેમીફાઇનલની ટિકિટ પર છે.