FIH Series Finals: હોકી ઈન્ડિયાએ ટીમની કરી જાહેરાત, મનપ્રીત કેપ્ટન, રમનદીપની વાપસી
એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ માટે જાહેર ભારતીય હોકી ટીમમાં રમનદીપની વાપસી થઈ છે જ્યારે ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે.
નવી દિલ્હીઃ અનુભવી સ્ટ્રાઇકર રમનદીપ સિંહની ભુવનેશ્વરમાં 6 જૂનથી શરૂ થઈ રહેલા એફઆઈએચ પુરૂષ હોકી સિરીઝ ફાઇનલ્સ માટે ભારતીય ટીમમાં વાપસી થઈ છે જ્યારે 18 સભ્યોની ટીમની કમાન મિડફીલ્ડર મનપ્રીત સિંહ સંભાળશે. હોકી ઈન્ડિયાએ મંગળવારે ટીમની જાહેરાત કરી છે. ભારતને ટૂર્નામેન્ટમાં રૂસ, પોલેન્ડ અને ઉઝબેકિસ્તાનની સાથે પૂલ એમાં રાખવામાં આવ્યું છે, જ્યારે 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જાપાન, મૈક્સિકો, અમેરિકા અને દક્ષિણ આફ્રિકા પૂલ બીમાં છે.
ટીમમાં ઘુંટણની ઈજા બાદ રમનદીપની વાપસી થઈ છે, જે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યો હતો. અનુભવી સ્ટ્રાઇકર એસ વી સુનીલની ગેરહાજરીમાં મનદીપ સિંહ, સિમરનજીત સિંહ અને આકાશદીપ સિંહ આક્રમણની જવાબદારી સંભાળશે. બીરેન્દ્ર લાકડા ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હશે. ગોલકીપિંગનો દારોમદાર અનુભવી પી આર શ્રીજેશ અને યુવા કૃષ્ણન બી પાઠક પર રહેશે.
ડિફેન્સની જવાબદારી લાકડાની સાથે હરમનપ્રીત સિંહ, સુરેન્દર કુમાર, વરૂણ કુમાર, અમિત રોહિદાસ અને ગુરિંદર સિંહ પર રહેશે. મનપ્રીત, હાર્દિક સિંહ, વિવેક સાગર, પ્રસાદ સુમિત અને નીલાકાંતા મિડફીલ્ડમાં હશે. ભારતે 6 જૂને રુસ વિરુદ્ધ પ્રથમ મેચ રમવાની છે. ભારતનું લક્ષ્ય ટોપ પર રહીને આ વર્ષના અંતમાં યોજાનારી ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવવા પર હશે.
નવા કોચ ગ્રાહમ રીડની સાથે આ પ્રથમ ટૂર્નામેન્ટ છે. રીડે કહ્યું 'હું ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે મારી પ્રથમ એફઆઈએચ ટૂર્નામેન્ટને લઇને ઉત્સાહિત છું. આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ પ્રક્રિયા માટે મહત્વનું પગલું છે.' તેમણે કહ્યું, અમે સારી સંતુલનવાળી ટીમ પસંદ કરી છે. રમનદીપ સિંહ ઈજા બાદ આવ્યો છે તો વરૂણ કુમારે વાપસી કરી છે.
સુમિત અને અમિત રોહિદાસની વાપસીથી ડિફેન્સ મજબૂત થયું છે. કોચે કહ્યું, અમારૂ ધ્યાન સતત સારા પ્રદર્શન પર રહેશે. તે માટે અમે કોઈ ટીમને હળવાશથી લેશું નહીં. દરેક ક્ષણે પોતાના 100 ટકા આપવા પડશે.
ભારતીય ટીમ...
ગોલકીપરઃ પી આર શ્રીજેશ અને કૃષ્ણન બી પાઠક
ડિફેન્ડરઃ હરમનપ્રીત સિંગ, બીરેન્દ્ર લાકડા, સુરેન્દર કુમાર, વરૂણ કુમાર, અમિત રોહિદાસ, ગુરિંદર સિંહ
મિડફીલ્ડરઃ મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુમિત, નીલાકાંતા શર્મા
ફોરવર્ડઃ મનદીપ સિંહ, આકાશદીપ સિંહ, રમનદીપ સિંહ, ગુરસાહિબજીત સિંહ, સિમરનજીત સિંહ.