FIH સિરીઝ ફાઇનલ્સ: ભારતીય મહિલા ટીમે જાપાનને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ
ભારત તરફથી કેપ્ટન રાનીએ એક અને ગુરજીત કૌરે બે ગોલ કર્યાં હતા.
નવી દિલ્હીઃ ડ્રૈગ ફ્લિકર ગુરજીત કૌરના પેનલ્ટી કોર્નર પર બે શાનદાર ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સની ચેમ્પિયન જાપાનને રવિવારે 3-1થી હરાવીને પાછલા વર્ષે એશિયન ગેમ્સની ફાઇનલમાં મળેલી હારનો હિસાબ ચુક્તે કર્યો અને એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની સાથે આ વર્ષના અંતમાં રમાનારી ઓલિમ્પિક ક્વોલિફાયર ટૂર્નામેન્ટની ટિકિટ હાસિલ કરી લીધી અને ફાઇનલમાં જાપાનને પરાજય આપ્યો છે. ભારત તરફથી કેપ્ટન રાનીએ એક અને ગુરજીત કૌરે બે ગોલ કર્યાં હતા.
ભારતીય મહિલા હોકી ટીમે 2020ના ટોક્યો ઓલિમ્પિક ટીમની યજમાન જાપાન સામે એશિયન ગેમ્સની ફાઇનલમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.