એલિસ્ટર કુકને નાઇટહુડની ઉપાધિ, 12 વર્ષ બાદ કોઈ ક્રિકેટરને મળ્યું આ સન્માન
મહત્વનું છે કે, એલિસ્ટર કુક ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ક્રિકેટર છે. ગત વર્ષે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકનું નાઇટહુડ (સર)ની ઉપાધિથી સન્માન કરવામાં આવ્યું છે. કુકને આ સન્માન મંગળવારે સવારે બકિંઘમ પેલેસમાં આયોજીત સમારોહ દરમિયાન આપવામાં આવ્યું હતું. એલિસ્ટર 12 વર્ષ બાદ આ સન્માન મેળવનાર પ્રથમ ક્રિકેટર છે. આ પહેલા વર્ષ 2007માં આ સન્માન ઇયાન બોથમને મળ્યું હતું. એલિસ્ટર કુકે કહ્યું કે, આ સન્માન મેળવતા સમયે તે નર્વસ હતો. કુક એક્સેસ કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ રમતો રહેશે. તેણે ગત વર્ષે એક્સેસની સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.
ઘુંટણ પર બેસવું અજીબ રહ્યું
કુકે કહ્યું, કોઈ તમને કહે કે તમારે ચાલવાનું છે અને પછી ઘુંટણ પર બેસવાનું છે, તો તમારા માટે અજીબ રહેશે. મારા માટે પણ હતું અને હું ઘણો નર્વસ હતો. હું હજારો લોકોની સામે ક્રિકેટ રમ્યો પરંતુ તમે માત્ર ચાલવા અને ઘુંટણ ટેકવાથી ગભરાઈ જાવ તો તે અજીબ છે.
34 વર્ષના કુકે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. તેણે પોતાના ક્રિકેટ કરિયરના છેલ્લા આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં યાદગાન સદી ફટકારી હતી. તેણે આ સદી ભારત વિરુદ્ધ ઓવલના મેદાન પર ફટકારી હતી. કુકે 21 વર્ષની ઉંમરમાં 2006માં ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર