FIFA World Cup: 40 વર્ષમાં પહેલીવાર શરૂઆતી મેચ ન જીતી શકી બ્રાઝીલની ટીમ
ફીફા વિશ્વકપમાં બ્રાઝીલના પ્રથમ મેચમાં નેમાર ન ચાલ્યો આજ કારણે સ્વિટ્ઝરલેન્ડ બ્રાઝીલને ડ્રો પર રોકવામાં સફળ રહ્યું હતું.
રોસ્તોવ-ઓન-ડોન (રૂસ): ટાઇટલના પ્રબળ દાવેદારોમાં સામેલ પાંચ વખતની વિશ્વ વિજેતા બ્રાઝીલને તેના પ્રથમ મેચમાં સ્વિટ્ઝરલેન્ડે 1-1ના ડ્રો પર રોકી લીધું. ફીફા વિશ્વકપમાં 1978 બાદ પ્રથમવાર થયું છે કે, જ્યારે બ્રાઝીલની ટીમ શરૂઆતી મેચ જીતવામાં નિષ્ફળ રહી છે.
બ્રાઝીલના વિશ્વકપ સફરની વાત કરીએ તો, 40 વર્ષ પહેલા 1978ના વિશ્વકપના ગ્રુપ-3માં પોતાના શરૂઆતી મેચમાં સ્વીડને બ્રાઝીલને 1-1ની બરોબરી પર રોક્યું હતું.
આંકડા પર નજર કરીએ તો ત્રીજીવાર બ્રાઝીલની ટીમ વિશ્વકપનો પ્રથમ મેચ જીતવામાં અસફળ રહી અને ત્રણેય મેચ ડ્રો રહ્યાં.
1974: બ્રાઝીલ 0-0 યુગોસ્લાવિયા
1978: બ્રાઝીલ 1-1 સ્વીડન
2018: બ્રાઝીલ 1-1 સ્વિટ્ઝરલેન્ડ
વિશ્વકપની તમામ 21 સીઝનની વાત કરીએ તો, બ્રાઝીલે 16 વખત પોતાની પ્રથમ મેચ જીતી છે, બે વાર (1930 અને 1934) હારી છે જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.
2018 વિશ્વકપ- બ્રાઝીલ vs સ્વિટ્ઝર્લેન્ડઃ 1-1
બ્રાઝીલે પોતાના પ્રથમ હાફમાં ફિલીપે કાઉટિન્હોના 17મી મિનિટે કરેલા ગોલની મદદથી હાફટાઇમ સુધી 1-0ની લીડ બનાવી લીધી હતી, પરંતુ વ્લાદીમિર પેટકોવિચની સ્વિટ્ઝરલેન્ડની ટીમે સંયમ ન ગુમાવ્યો અને અવસરની રાહ જોઈ, તે માટે બરાબરીનો ગોલ સ્ટીવન જુબેરે 50મી મિનિટે ફટકાર્યો.
ગત વિશ્વકપમાં જર્મનીના હાથે સેમિફાઇનલમાં 7-1ના શર્મજનક પરાજય મેળવનાર બ્રાઝીલની ટીમ સતત આક્રમક રમત રમી અને 17મી મિનિટે લીડ મેળવવામાં સફળ થઈ ગઈ હતી.
બ્રેક પહેલા આખરી મિનિટમાં નેમારની પાસે ગોલ કરવાનો શાનદાર અવસર હતો, પરંતુ થિયાગો સિલ્વા પાસેથી મળેલા પાસને તે ગોલપોસ્ટ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો. વિશ્વના આ સૌથી મોંઘા ખેલાડીને સ્વિસ ખેલાડીઓએ બાંધીને રાખ્યો હતો.
બીજા હાફની પાંચમી મિનિટે જુબેરે શેરદાન શાકિરીના કોર્નર પર સ્વિટ્ઝરલેન્ડ માટે બરાબરીનો ગોલ કર્યો. બ્રાઝીલ ખેલાડીઓની ફરિયાદ હતી કે જુબેરે ડિફેન્ડર મિરાંડાને ધક્કો માર્યો હતો, પરંતુ મૈક્સિકોના રેફરી સેજાર રામોસે તેને નકારી દીધી હતી.