ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો

પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુઆનકાયોમાં જુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
Shocking video: પેરુમાં ફૂટબોલ મેચનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મેચ દરમિયાન વીજળી પડતાં એક ફૂટબોલ ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હૃદયદ્રાવક ઘટના બે પેરુવિયન ક્લબ જુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચેની મેચ દરમિયાન બની હતી. મેચ Huancayo માં યોજાઈ હતી. આ વીજળી પડવાની ઘટનામાં ઘણા ખેલાડીઓ ઘાયલ પણ થયા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ અનુસાર, ભારે વરસાદને કારણે રેફરીએ ખેલાડીઓને મેદાન છોડવા માટે કહ્યું હતું. ખેલાડીઓ મેદાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે વીજળી પડી અને 39 વર્ષીય ફૂટબોલ ખેલાડી જોસ હ્યુગો ડે લા ક્રુઝ મેસાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
અન્ય એક ખેલાડીનો જીવ ખતરામાં
મેસાનું તો મોત થયું છે પરંતુ હજુ એક ખેલાડીની સ્થિતિ ખતરામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે ગોલકીપર હુઆન ચોકા પણ આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયો છે અને તે આઈસીયુમાં દાખલ છે. રિપોર્ટ્સ પ્રમાણે આ મેચને દુર્ઘટના બાદ રદ્દ કરી દેવામાં આવી હતી.
ભારતમાં પણ બની હતી આવી દુર્ઘટના
પેરૂ પહેલા ભારતમાં પણ આ પ્રકારની દુર્ઘટના બની હતી. આ વર્ષે ઝારખંડના સિમડેટામાં વીજળી પડવાથી ત્રણ હોકી ખેલાડીઓના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં પાંચ અન્ય ખેલાડીઓ દાઝી ગયા હતા. આ બધા ખેલાડીઓ વરસાદથી બચવા માટે ઝાડની નીચે ઉભા હતા.